કહે છે કે અમેરિકાએ લગાવેલા ૨૯ ટકા ટૅરિફના પડકારને અમે તકમાં ફેરવીશું
ડોનલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પ પ્રશાસન દ્વારા લગાડવામાં આવેલા ૨૯ ટકા ટૅરિફને પાકિસ્તાને પડકારને બદલે તક તરીકે જોવાની યોજના બનાવી છે. હાલમાં જ નાણાપ્રધાન મોહમ્મદ ઔરંગઝેબે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ‘પાકિસ્તાન અમેરિકન વ્યાપાર નીતિમાં થઈ રહેલા બદલાવને તકના રૂપે ઉપયોગ કરશે. અમેરિકાએ પાકિસ્તાનથી આયાત થતા સામાન પર ૨૯ ટકા ટૅરિફ વધારવાનો નિર્ણય કર્યો છે જેના કારણે પાકિસ્તાની નિકાસકારો માટે મોટો પડકાર ઊભો થયો છે. જોકે નાણાપ્રધાને કહ્યું હતું કે ‘આવા મુશ્કેલ સમયમાં પણ પાકિસ્તાન આ પડકારને તકમાં ફેરવવાનો પ્રયાસ કરશે. તમારે ક્યારેય સારા સંકટનો લાભ લેવાની તક ગુમાવવી જોઈએ નહીં. આપણે એને એક પડકાર અને તક બન્ને તરીકે જોઈએ છીએ.’
આ પડકારના સમાધાન માટે પાકિસ્તાન એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળને વૉશિંગ્ટન મોકલવાની યોજના બનાવી રહ્યું છે. પાડોશી દેશના નાણાપ્રધાન ઔરંગઝેબ ટ્રમ્પના ટૅરિફમાં ફાયદા શોધવાની વાત કરી રહ્યા છે, પરંતુ પાકિસ્તાન સરકાર આ ટૅરિફ-વૉરથી ચિંતિત છે અને એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ટૅરિફની જાહેરાત બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરી અને બે સમિતિની રચના કરી હતી. નાણાપ્રધાન મોહમ્મદ ઔરંગઝેબના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

