પાકિસ્તાન ગયા વર્ષે આતંકવાદને કારણે થયેલાં મૃત્યુમાં વિશ્વમાં બીજા ક્રમે રહ્યું હતું, જેમાં મરનારાઓની સંખ્યા ૬૪૩ રહી હતી
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
સિડની : દક્ષિણ એશિયામાં સૌથી વધુ આતંકવાદી હુમલા અને મૃત્યુ સાથે આતંકવાદ પીડિત દેશ તરીકે અફઘાનિસ્તાનને પછાડીને પાકિસ્તાન અગ્રક્રમે રહ્યું હોવાનું ઑસ્ટ્રેલિયા સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇકૉનૉમિક્સ ઍન્ડ પીસના ઍન્યુઅલ ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ રિપોર્ટમાં જણાવાયું હતું.
પાકિસ્તાન ગયા વર્ષે આતંકવાદને કારણે થયેલાં મૃત્યુમાં વિશ્વમાં બીજા ક્રમે રહ્યું હતું, જેમાં મરનારાઓની સંખ્યા ૬૪૩ રહી હતી. છેલ્લા એક દસકામાં પાકિસ્તાનમાં થયેલાં મૃત્યુના આંકડાઓમાં વર્ષાનુવર્ષ વધારો થતો રહ્યો છે. આતંકવાદને કારણે મૃત્યુ પામનારાઓમાં લગભગ ૫૫ ટકા જેટલા લશ્કરના જવાનો હતા. જાનહાનિમાં થયેલા ઉછાળાને કારણે ઇન્ડેક્સમાં એ ચાર સ્થાન ઊંચકાઈને છઠ્ઠા ક્રમે પહોંચ્યું હતું એમ જણાવતાં રિપોર્ટમાં ઉમેરાયું હતું કે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે પાકિસ્તાનમાં આતંકવાદને કારણે થયેલાં મૃત્યુમાં ૩૬ ટકા (લગભગ ૯ ગણા) વધારા માટે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) જવાબદાર છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: આતંકવાદીઓના હાથમાં આવી શકે છે ઇન્સેક્ટ ડ્રોન
રિપોર્ટ મુજબ બીએલએએ પાકિસ્તાનમાં સૌથી વધુ ભયંકર આતંકવાદી જૂથ તરીકે ઓળખાતા તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) કે પાકિસ્તાન તાલિબાનને પાછળ છોડી દીધું છે.
૨૦૨૨માં પ્રતિ અટૅક ૭.૭ લોકોનાં મૃત્યુના રેકૉર્ડ સાથે બીએલએનો ઘાતકતા દર પણ ઊંચો રહ્યો છે. ગયા વર્ષે પ્રતિ અટૅક લગભગ ૧.૫ ટકા મૃત્યુદર નોંધાયો હતો. ૨૦૨૨માં બીએલએ સાથે જોડાયેલાં ૨૩૩ મૃત્યુમાંથી ૯૫ ટકા લશ્કરના જવાનો હતા.
બીએલએ અફઘાનિસ્તાન અને ઈરાનની સરહદે આવેલા બલૂચિસ્તાન રાજ્યની સ્વતંત્રતા માટે લડી રહ્યું હોવાનો દાવો કરે છે. પાકિસ્તાન, અમેરિકા અને યુકેએ બીએલએ અને ટીટીપીને આતંકવાદી સંગઠન ગણાવ્યાં છે.
ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ મુજબ આતંકવાદ મુખ્યત્વે અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની સરહદ પર કેન્દ્રિત છે. આ વિસ્તારમાં લગભગ ૬૩ ટકા હુમલા અને ૭૪ ટકા મૃત્યુ થાય છે.