પાકિસ્તાનનો વિદેશપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એલફેલ બોલ્યો
બિલાવલ ભુટ્ટો ઝરદારી
આતંકવાદના મુદ્દે ઘેરાયેલા પાકિસ્તાનના વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક કમેન્ટ કરી છે. વાસ્તવમાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ઓસામા બિન લાદેનને આશરો આપનાર પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢ્યા બાદ પાકિસ્તાન અકળાયું છે અને ભાન ભૂલેલા બિલાવલે એલફેલ કમેન્ટ કરી છે.
પાકિસ્તાનના પ્રધાને કહ્યું કે ‘હું ભારતને કહેવા માગું છું કે ઓસામા બિન લાદેન મૃત્યુ પામ્યો છે, પરંતુ ગુજરાતના કસાઈ જીવે છે અને તેઓ ભારતના વડા પ્રધાન છે. તેઓ (પીએમ મોદી) વડા પ્રધાન બન્યા ત્યાં સુધી અમેરિકામાં તેમના પ્રવેશવા પર પ્રતિબંધ હતો. આ આરએસએસના વડા પ્રધાન છે, આરએસએસના વિદેશપ્રધાન છે. આરએસએસ શું છે? આરએસએસ હિટલરની ‘એસએસ (સ્ટ્સસ્ટાફેલ)’માંથી પ્રેરણા મેળવે છે.’ નોંધપાત્ર છે કે જયશંકરે કહ્યું હતું કે કોઈ દેશ દ્વારા સ્પૉન્સર કરાતા સરહદ પાર આતંકવાદને ક્યારેય વાજબી ગણાવવો ન જોઈએ.
ADVERTISEMENT
"પાકિસ્તાનના વિદેશપ્રધાનની ભાષા સૂચવે છે કે તેઓ ન ફક્ત દેવાળિયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે, બલકે તેમણે પોતે પણ માનસિક રીતે દેવાળું ફૂંક્યું છે." : મીનાક્ષી લેખી, કેન્દ્રીય પ્રધાન
‘મેક ઇન પાકિસ્તાન’ આતંકવાદ બંધ થવો જોઈએ : ભારત
વિદેશ મંત્રાલયે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘આ કમેન્ટ્સ પાકિસ્તાનનું લેવલ બતાવે છે કે એ ભારત વિરુદ્ધ ઝેર ઓકવા માટે કઈ હદે જઈ શકે છે. આ કમેન્ટ્સ પાકિસ્તાન માટે પણ અત્યંત નિમ્નસ્તરની છે. પાકિસ્તાનના વિદેશપ્રધાન ચોક્કસ જ ૧૯૭૧નો આ દિવસ ભૂલી ગયા હતા કે જ્યારે પાકિસ્તાની સરકારે બંગાળીઓ અને હિન્દુઓનો નરસંહાર કર્યો હતો. કમનસીબે અત્યાર સુધી લઘુમતીઓ પ્રત્યેનું પાકિસ્તાનનું વલણ ખાસ બદલાયું હોય એમ જણાતું નથી.’
આ સ્ટેટમેન્ટમાં વધુ જણાવાયું હતું કે ‘ન્યુ યૉર્ક, મુંબઈ, પુલવામા, પઠાણકોટ અને લંડન જેવાં અનેક શહેરો પર પાકિસ્તાન દ્વારા સ્પૉન્સર્ડ અને સપોર્ટેડ આતંકવાદના ઘા છે. આ હિંસા સ્પેશ્યલ
ટેરરિસ્ટ ઝોન્સમાંથી ઉદ્ભવે છે અને દુનિયાભરમાં એની નિકાસ થાય છે. ‘મેઇક ઇન પાકિસ્તાન’ આતંકવાદ બંધ થવો જોઈએ.’
ભારતે વધુ જણાવ્યું હતું કે પાકિસ્તાન એક એવો દેશ છે કે જે ઓસામા બિન લાદેનને શહીદ તરીકે રજૂ કરે છે અને હાફિઝ સઈદ, મસૂદ અઝહર, સાજિદ મીર અને દાઉદ ઇબ્રાહિમ જેવા આતંકવાદીઓને શરણ આપે છે.