જીવ ગુમાવનારાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો : અફઘાનિસ્તાન વળતો જવાબ આપવાના મૂડમાં
પ્રતીકાત્મક તસવીર
પૂર્વ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને મંગળવારે રાત્રે કરેલી ઍર-સ્ટ્રાઇકમાં ૪૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથે સીમા પર પક્તિકા પ્રાંતમાં બરમાલ જિલ્લાનાં સાત જેટલાં ગામડાંમાં આ હુમલા કરવામાં આવ્યા હતા.
આ હુમલા એવા સમયે થયા છે જ્યારે પાકિસ્તાનના સુરક્ષા અધિકારીઓએ એક દિવસ પહેલાં નામ નહીં આપવાની શરતે જાહેર કર્યું હતું કે મંગળવારે પક્તિકામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના એક સંદિગ્ધ ટ્રેઇનિંગ સેન્ટરને નષ્ટ કરવા અને આતંકવાદીઓનો સફાયો કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ હુમલા મુદ્દે પાકિસ્તાને કોઈ ટિપ્પણી કરી નથી પણ પાકિસ્તાની સેનાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ઇન્ટેલિજન્સે આપેલી જાણકારીના આધારે રાતભર ચાલેલા આ ઑપરેશનમાં ૧૩ આતંકવાદી ઠાર થયા છે.
ADVERTISEMENT
હુમલાનો જવાબ આપવામાં આવશે
તાલિબાનના સંરક્ષણ વિભાગે આ ઍર-સ્ટ્રાઇકનો બદલો લેવામાં આવશે એવી જાહેરાત કરી હતી. તાલિબાન સરકારના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે જણાવ્યું હતું કે આ હુમલામાં મોટા ભાગે મહિલાઓ અને બાળકોનાં મૃત્યુ થયાં હતાં, અફઘાનિસ્તાનને એની જમીન અને સાર્વભૌમની સુરક્ષા કરવાનો અધિકાર છે.
હુમલાનું કારણ શું?
અફઘાનિસ્તાનના ખામા પ્રેસના રિપોર્ટ મુજબ પાકિસ્તાની તાલિબાન અથવા તો TTPએ હાલમાં પાકિસ્તાની ફોર્સિસ પર એના હુમલા વધારી દીધા હતા. પાકિસ્તાને અફઘાની તાલિબાન પર આ આતંકવાદીઓને શરણ આપવાનો આરોપ લગાવ્યો છે. જોકે અફઘાની તાલિબાને આ આરોપ ફગાવી દીધો છે. ઍર સ્ટ્રાઇકમાં જેના પર હુમલો થયો છે એ વઝીરીસ્તાનના શરણાર્થી નાગરિકો છે, જે પાકિસ્તાનના કબાઇલી વિસ્તારોમાં સૈન્ય અભિયાનોના કારણે વિસ્થાપિત થયા હતા.