ઑપનએઆઇના રિસર્ચર્સે એક પાવરફુલ એઆઇ શોધની વૉર્નિંગ આપતો લેટર બોર્ડ ઑફ ડિરેક્ટર્સને લખ્યો છે. તેમનું કહેવું છે કે આ શોધથી માનવજાત માટે જોખમ ઊભું થઈ શકે છે
પ્રોજેક્ટ Q*થી માનવજાતને ખતરો?
સૅન ફ્રાન્સિસ્કો ઃ ટેક્નૉલૉજીની સમાજ પર નેગેટિવ અસરો વિશે સતત ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે ચિંતા જગાવતા વધુ એક ન્યુઝ આવ્યા છે. હવે બહાર આવ્યું છે કે ઑપનએઆઇના અનેક રિસર્ચર્સે એક પાવરફુલ એઆઇ શોધની વૉર્નિંગ આપતો લેટર બોર્ડ ઑફ ડિરેક્ટર્સને લખ્યો છે. તેમનું કહેવું છે કે આ શોધથી માનવજાત માટે જોખમ ઊભું થઈ શકે છે.
બોર્ડે સૅમ અલ્ટમૅનની શુક્રવારે હકાલપટ્ટી કરી હતી એના પહેલાં સૅન ફ્રાન્સિસ્કો સ્થિત આ સ્ટાર્ટઅપ ખાતે આ લેટર અને આ એઆઇ ઍલ્ગરિધમ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ફીલ્ડમાં કરવામાં આવેલી નોંધપાત્ર પ્રગતિ મુખ્ય ઘટનાઓ હતી. એમ જણાય છે કે આ શોધથી ઑપનએઆઇના કેટલાક રિસર્ચર્સને માનવજાત માટે જોખમ ઊભું થવાની ચિંતા હતી.
ઑપનએઆઇમાં સૌથી વધુ હિસ્સો ધરાવતા માઇક્રોસૉફ્ટ અને એના સીઈઓ સત્ય નડેલા તરફથી પ્રેશર તેમ જ નોકરી છોડવાની ૭૦૦થી વધુ કર્મચારીઓ તરફથી ધમકી મળ્યા બાદ અલ્ટમૅનને બુધવારે ઑપનએઆઇના સીઈઓ તરીકે ફરી અપૉઇન્ટ કરવામાં આવ્યા હતા.
ઓપનએઆઇના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે લાંબા સમયથી એક્ઝિક્યુટિવ રહેલા મીરા મુરાતીએ ચોક્કસ મીડિયા સ્ટોરીઝ વિશે સ્ટાફને અલર્ટ કર્યા હતા. જોકે આ મીડિયા સ્ટોરીઝની એક્યુરસી વિશે તેમણે કોઈ કમેન્ટ કરી નથી. અલ્ટમૅનને ફાયર કરવામાં આવ્યા બાદ મુરાતીની વચગાળાના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પ્રોજેક્ટ Q* શું છે?
આ ઘટનાક્રમના જાણકાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે અલ્ટમૅનને ફાયર કરવામાં આવ્યા એના પહેલાં ઓપનએઆઇના સ્ટાફ મેમ્બર્સને મોકલાયેલા એક ઇન્ટર્નલ મેસેજમાં તેમ જ બોર્ડને મોકલેલા લેટરમાં પ્રોજેક્ટ Q* (ઉચ્ચારણ ક્યૂ-સ્ટાર) વિશે નોંધ હતી.
ઓપનએઆઇ સ્ટાફમાં એક વર્ગ માને છે કે આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સ ડેવલપ કરવા માટેના તેમના પ્રયાસોમાં પ્રોજેક્ટ Q* એક મોટું પગલું બની રહે એવી એમાં ક્ષમતા છે. આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે એવાં મશીન્સ કે જે જુદા-જુદા હેતુ માટે આર્થિક રીતે અત્યંત મહત્ત્વની જુદી-જુદી કામગીરી માણસો કરતાં વધુ સારી રીતે કરી શકે.
સોર્સિસે ન્યુઝ એજન્સી રૉઇટર્સને જણાવ્યું હતું કે ઓપનએઆઇ દ્વારા ડેવલપ કરવામાં આવેલા એઆઇ ઍલ્ગરિધમ સ્કૂલોમાં ભણાવવામાં આવતા બૅઝિક મેથ્સ પ્રૉબ્લેમ્સને સારી રીતે સૉલ્વ કરે છે. ઓપનએઆઇના રિસર્ચર્સ Q* નામના આ ઍલ્ગરિધમના ભાવિ પ્રોગ્રેસને લઈને ખૂબ જ આશાવાદી અને પૉઝિટિવ છે.
જોકે ઓપનએઆઇના બોર્ડને મોકલવામાં આવેલા લેટરમાં સ્ટાફના રિસર્ચર્સે આ પાવરફુલ ઍલ્ગરિધમથી માનવજાતને સંભવિત ખતરા વિશે ચેતવ્યા છે.

