અમેરિકન થિન્ક-ટૅન્કના કાર્યક્રમમાં નાણાપ્રધાને ભારત વિશેની પશ્ચિમી દેશોની ધારણા વિશેના સવાલના જવાબમાં આમ જણાવ્યું
વૉશિંગ્ટનમાં પીટરસન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટરનૅશનલ ઇકૉનૉમિક્સ ખાતે આ ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડન્ટ ઍડમ પોસેન સાથે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં સ્થિત થિન્ક-ટૅન્ક પીટરસન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટરનૅશનલ ઇકૉનૉમિક્સના એક કાર્યક્રમમાં ભારત વિશેની પશ્ચિમી દેશોની ધારણાની આકરી ઝાટકણી કાઢી હતી. પશ્ચિમી દેશોની ભારત વિશેની નકારાત્મક ધારણા વિશેના સવાલના જવાબમાં નાણાપ્રધાને ભારતની ક્યારેય મુલાકાત ન લેનારા લોકો દ્વારા બાંધવામાં આવેલી ધારણાઓને સાંભળવા કરતાં ભારતમાં આવીને સ્થિતિ જોવાની રોકાણકારોને અપીલ કરી હતી. સાથે જ તેમણે એક સવાલના જવાબમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારતમાં મુસ્લિમોની વસ્તી વધી છે, જ્યારે પાકિસ્તાનમાં લઘુમતીઓનો વિનાશ થયો છે.
ભારતમાં લઘુમતી મુસ્લિમો પરની હિંસા તેમ જ વિપક્ષના નેતાનું સંસદસભ્યપદ રદ કરવા વિશેના પશ્ચિમી દેશોના મીડિયાના રિપોર્ટ્સ વિશેના આ ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડન્ટ ઍડમ એસ પોસેનના સવાલના જવાબમાં સીતારમણે કહ્યું હતું કે ‘ભારત મુસ્લિમોની વસ્તીની દૃષ્ટિએ દુનિયાનો બીજા નંબરનો દેશ છે અને મુસ્લિમોની વસ્તી સતત વધી રહી છે. જો આ દૃષ્ટિકોણ સાચો હોય કે પછી એ હકીકત હોય કે તેમની જિંદગી મુશ્કેલ છે કે પછી કેન્દ્ર સરકારની મદદથી એને મુશ્કેલ બનાવવામાં આવી રહી છે કે જેમ મોટા ભાગના લેખોમાં લખવામાં આવે છે તો શું એ શક્ય બન્યું હોત? શું ભારતમાં મુસ્લિમોની વસ્તી ૧૯૪૭ની સરખામણીમાં વધી રહી હોત?’
ADVERTISEMENT
તેમણે વધુ કહ્યું હતું કે ‘હું એક દેશનું નામ લેવા ઇચ્છું છું, જેથી ફરકને વધુ સ્પષ્ટ કરી શકાય. પાકિસ્તાનની સ્થાપના પણ બરાબર એ જ સમયે થઈ હતી. ભારતના ભાગલા થયા અને પાકિસ્તાન બન્યું. પાકિસ્તાને પોતાને ઇસ્લામિક દેશ જાહેર કર્યો, પરંતુ એમ પણ કહેવામાં આવ્યું હતું કે લઘુમતીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવશે. ત્યાં દરેક લઘુમતી સમુદાયના લોકોની સંખ્યા ઘટી રહી છે કે પછી હું સખત શબ્દોમાં કહું તો તેમનું અસ્તિત્વ ખલાસ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાં સામાન્ય આરોપોને લઈને લઘુમતી સમાજના લોકોને આકરી સજા કરવામાં આવે છે. તેમને મોતની સજા આપવામાં આવે છે. ઇશનિંદાના મોટા ભાગના કેસમાં વ્યક્તિગત વેર વાળવામાં આવે છે. પીડિતોને યોગ્ય તપાસ વિના તાત્કાલિક દોષી માની લેવામાં આવે છે.’
પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિ વિશે વધુ તેમણે જણાવ્યું હતું કે ‘પાકિસ્તાનમાં મુસ્લિમોના કેટલાક સમુદાય પણ ગાયબ થઈ રહ્યા છે. મુહાજિર, શિયા અને એવા દરેક સમુદાયની વિરુદ્ધ હિંસા ચાલી રહી છે કે જેમને મુખ્ય પ્રવાહમાં ગણવામાં આવતા નથી. ભારતમાં મુસ્લિમોના દરેક સંપ્રદાય મળી જશે. તેઓ બિઝનેસ કરે છે. તેમનાં બાળકોને શિક્ષણ પણ મળી રહ્યું છે. સરકાર તરફથી ફેલોશિપ પણ મળી રહી છે.’
સીતારમણે વધુ જણાવ્યું હતું કે ‘મને કોઈ એક રાજ્ય બતાવો અને હું એમ પણ કહેવા ઇચ્છું છું કે કાયદો-વ્યવસ્થા રાજ્યનો વિષય છે, ભારત સરકારનો નહીં. દરેક રાજ્યમાં ચૂંટાયેલી સરકાર છે અને એ રાજ્યની કાયદો-વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે. એટલે એમ કહેવું કે મુસ્લિમોને ટાર્ગેટ કરીને સમગ્ર દેશમાં હિંસા થાય છે તો એ પોતાની રીતે જ એક ખોટું સ્ટેટમેન્ટ છે. હું પૂછું છું કે ૨૦૧૪થી અત્યાર સુધીમાં કોઈ એક ચોક્કસ સમુદાયની વસ્તી ઘટી છે અને શું કોઈ ચોક્કસ સમુદાયમાં મૃત્યુના આંકડા સૌથી અલગ અને વધ્યો છે? હું આવો રિપોર્ટ લખનારાઓને ભારતમાં આવવા માટે આમંત્રણ આપું છું, હું તેમને હોસ્ટ કરીશ. તેઓ ભારતમાં ફરે અને એ પછી પોતાની વાત પુરવાર કરે.’