ગ્લોબલ સર્વે અનુસાર દુનિયાનાં ૧૭૨ મોટાં શહેરોમાં જીવન ખર્ચમાં સરેરાશ ૮.૧ ટકાથી વધુનો વધારો થયો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ન્યુ યૉર્ક અને સિંગાપોર રહેવા માટે સૌથી મોંઘાં શહેરો છે. એક નવા ગ્લોબલ સર્વેમાં આ તારણ બહાર આવ્યું છે. ઇકૉનૉમિસ્ટ ગ્રુપના રિસર્ચ અને ઍનૅલિસિસ ડિવિઝન ઇકોનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના જીવન ખર્ચના રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં દુનિયાનાં ૧૭૨ મોટાં શહેરોમાં જીવન ખર્ચમાં સરેરાશ ૮.૧ ટકાથી વધુનો વધારો થયો છે. એ માટે યુક્રેનમાં યુદ્ધ અને સપ્લાય ચેઇન ખોરવાઈ જવા જેવાં કારણો જવાબદાર છે.
ગયા વર્ષનાં રૅન્કિંગ્સમાં તેલ અવિવ ટૉપ પર હતું. જોકે હવે એ ત્રીજા સ્થાને ગયું છે. ટૉપ ફાઇવમાં હૉન્ગકૉન્ગ અને લૉસ ઍન્જલસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં આ સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં દુનિયાનાં ૧૭૨ મોટાં શહેરોમાં ૨૦૦થી વધારે પ્રોડક્ટ્સની કિંમતની સરખામણી કરવામાં આવી હતી. જપાનમાં વ્યાજદરો ઓછા રહ્યા હોવાના કારણે ટોક્યો અને ઓસાકા અનુક્રમે ૨૪ અને ૩૩ સ્થાન પાછળ ગયાં છે. સૌથી ખર્ચાળ શહેરોના આ લિસ્ટમાં સાઉથ કોરિયાનાં શહેરોએ પણ પીછેહઠ કરી છે.
ADVERTISEMENT
આ સર્વેમાં બહાર આવ્યું છે કે અન્ય ચીજવસ્તુઓની સરખામણીમાં પેટ્રોલની કિંમતમાં ખૂબ જ વધારો થયો છે. એક વર્ષમાં પેટ્રોલની કિંમતોમાં લગભગ ૨૨ ટકાનો વધારો થયો છે. યુક્રેનના યુદ્ધના કારણે સમગ્ર દુનિયામાં એનર્જીની કિંમતો વધી છે.
સિરિયાની રાજધાની દમાસ્કસ અને લિબિયાની ટ્રિપોલી દુનિયાનાં સૌથી સસ્તાં શહેરો છે.
આ છે સૌથી મોંઘાં શહેરો
- સિંગાપોર
- ન્યુ યૉર્ક, અમેરિકા
- તેલ અવિવ, ઇઝરાયલ
- હૉન્ગકૉન્ગ, ચીન
- લૉસ ઍન્જલસ, અમેરિકા
- ઝ્યુરિક, સ્વિટ્ઝરલૅન્ડ
- જિનીવા, સ્વિટ્ઝરલૅન્ડ
- સૅન ફ્રાન્સિસ્કો, અમેરિકા
- પૅરિસ, ફ્રાન્સ
- કોપનહેગન, ડેન્માર્ક
- સિડની, ઑસ્ટ્રેલિયા