નેપાલમાં ભૂકંપને કારણે ચાર બાળકો સહિત છ જણનાં મોત નીપજ્યાં, દિલ્હી-એનસીઆર અને ઉત્તરાખંડમાં પણ આંચકા અનુભવાયા
નેપાલના પશ્ચિમી જિલ્લા દોતીમાં ભૂકંપ બાદ ગઈ કાલે બચાવ કામગીરી કરી રહેલો આર્મીનો જવાન (તસવીર : પી.ટી.આઇ.)
નેપાલના સીસ્મોલૉજિકલ સેન્ટરે ભૂકંપનો આંચકો ૬.૬ની તીવ્રતાનો હોવાનું જણાવ્યું, જ્યારે યુરોપિયન સીસ્મોલ઼ૉજિકલ સેન્ટર અનુસાર ભૂકંપની તીવ્રતા ૫.૬ હતી
૬.૬ની તીવ્રતાવાળા ભૂકંપથી મંગળવારે મોડી રાતે નેપાલ હચમચી ઊઠ્યું હતું, જેમાં ચાર બાળકો સહિત છ જણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે પાંચ જણને ગંભીર ઈજા થઈ છે. પશ્ચિમી જિલ્લા દોતીમાં અનેક મકાનો ધ્વસ્ત થયાં છે. નવી દિલ્હી અને ઉત્તરાખંડમાં પણ આંચકા અનુભવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સ્થાનિક મીડિયાના ફુટેજમાં જોવા મળ્યું હતું કે નેપાલમાં માટી અને ઈંટોનાં બનેલાં મકાનો ધ્વસ્ત થયાં હતાં. બચાવકર્તાઓએ કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. નેપાલની આર્મીના પ્રવક્તા નારાયણ સિલવાલે કહ્યું હતું કે ઓછામાં ઓછા બે જણ મિસિંગ છે.
દોતીમાં પુરબી ચૉકી રુરલ મ્યુનિસિપાલિટીના ચૅરમૅન રામ ઉપાધ્યાયે કહ્યું હતું કે નેપાલના સ્થાનિક સમયાનુસાર મંગળવારે રાતે ૨.૧૨ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જબરદસ્ત આંચકો અનુભવાયો હતો.’
નેપાલના સીસ્મોલૉજિકલ સેન્ટરે ભૂકંપનો આંચકો ૬.૬ની તીવ્રતાનો હોવાનું જણાવ્યું છે, જ્યારે યુરોપિયન મેડિટેરિનિયન સીસ્મોલૉજિકલ સેન્ટર અનુસાર ભૂકંપની તીવ્રતા ૫.૬ હતી. આ ભૂકંપનું એપિસેન્ટર ઉત્તર પ્રદેશના શહેર પિલિભિતથી પૂર્વોત્તરમાં લગભગ ૧૫૮ કિલોમીટરના અંતરે હતું. દિલ્હી-એનસીઆરમાં ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવવામાં આવ્યો હતો. અનેક લોકો ડરના માર્યા તેમનાં ઘરોમાંથી બહાર આવી ગયા હતા. અનેક લોકોએ સોશ્યલ મીડિયા પર તેમના અનુભવો જણાવ્યા હતા. ઉત્તરાખંડમાં પણ લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. પિથોરાગઢ, બગેશ્વર, અલમોરા, ચંપાવત, ઉધમ સિંહનગર, નૈનિતાલ, રુદ્રપ્રયાગ, ચમોલી, તેહરી, પૌરી, હરિદ્વાર, ઉત્તરકાશી અને દેહરાદૂન જિલ્લાઓમાં આંચકા અનુભવવામાં આવ્યા હતા.
પિથોરાગઢના કાશની ગામનાં નિવાસી પ્રભાએ કહ્યું હતું કે ‘મારા ઘરની બારીઓ અને પંખાને હલતાં જોઈને હું દોડીને ઘરની બહાર ભાગી ગઈ હતી.’ પિથોરાગઢના દુકાનદાર પ્રમોદ દ્વિવેદીએ જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સવારે લગભગ સાડાછ વાગ્યે બીજો એક આંચકો પણ અનુભવવામાં આવ્યો હતો. જોકે એ હળવો હતો.’
ઇટલીના પૂર્વોત્તર કાંઠામાં ગઈ કાલે મધ્યમ આંચકો આવ્યો હતો. જેને લીધે અનેક બિલ્ડિંગોમાં તિરાડ પડી હતી અને એક હેલ્થ ક્લિનિકમાંથી પેશન્ટ્સ અને હેલ્થ અધિકારીઓને સુરિક્ષત સ્થાને લઈ જવાની ફરજ પડી હતી.