તાતા ગ્રુપની ઇચ્છા ઍર ઇન્ડિયાને ફરીથી વર્લ્ડ ક્લાસ ઍરલાઇન્સ બનાવવાની છે, જોકે ગલ્ફની ઍરલાઇન્સ સાથે કરવી પડશે સ્પર્ધા
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
પૅરિસ : તાતા ગ્રુપની માલિકીની ઍર ઇન્ડિયાએ વૈશ્વિક ઍરલાઇન બનવા માટે મોટી સંખ્યામાં વિમાનો ખરીદવાની ઘોષણા કરી હતી. જોકે આ સોદા માટે ગુપ્ત વાતચીત એક વર્ષ પહેલાં શરૂ કરાઈ હતી. લંડનના બકિંગહૅમ પૅલેસ નજીક સૅન્ટ જેમ્સ કોર્ટ નામની એક લક્ઝરી હોટેલ આવેલી છે, ત્યાં મહત્ત્વની ચર્ચા થઈ હતી. નજીકમાં આવેલી તાતાની માલિકીની હોટેલમાં ઍરલાઇન્સના પ્રતિનિધિઓ રોકાયા હતા. ડીલની ચર્ચા ઍર ઇન્ડિયાના ચીફ કમર્શિયલ ઍન્ડ ટ્રાન્સફર્મેશન ઑફિસર નિપુન અગ્રવાલ અને ઍરક્રાફટ એક્વિઝિશનના હેડ યોગેશ અગ્રવાલ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
મંગળવારે તાતા ગ્રુપના ચૅરમૅન એન. ચંદ્રશેખરને ઍૅરબસ અને બોઇંગ પાસેથી ૪૭૦ વિમાનો ખરીદવાની ઘોષણા કર્યા બાદ કહ્યું હતુ કે તેમની યોજના ઍરલાઇન્સને વિશ્વ કક્ષાની બનાવવાની છે. ૨૦૧૧માં અમેરિકાની ઍરલાઇન્સે એક સાથે ૪૬૦ વિમાન ખરીદ્યાં હતા એ રેકૉર્ડને પણ ઍર ઇન્ડિયાએ તોડ્યો હતો. તાતાએ બે વર્ષ પહેલાં સરકારી ઍરલાઇન્સને હસ્તગત કર્યા બાદ એને આધુનિક બનાવવા માટે પાંચ વર્ષની યોજના શરૂ કરી છે. આ ઑર્ડરને કારણે ઍર ઇન્ડિયાનો કાફલો પણ લુફ્થાન્સા અને સિંગાપોર ઍરલાઇન્સ જેટલો થઈ શકે. જોકે ઍર ઇન્ડિયાનો ઇરાદો ગલ્ફની ઍરલાઇન્સ સાથે સ્પર્ધાનો હોય એવું લાગી રહ્યું છે. હાલ યુરોપ કે અમેરિકાના વિવિધ ભાગોમાં જવા માગતા ભારતીય પ્રવાસીઓ એમિરેટ્સ કતાર ઍરવેઝ, એતિહાદ તેમ જ અન્ય મિડલ-ઈસ્ટની ઍરલાઇન્સનો ઉપયોગ કરે છે. ઍર ઇન્ડિયાને કારણે આ ક્ષેત્રમાં પરિવર્તન આવશે. વળી એ૩૫૦એસનાં વિશાળ વિમાનો ભારતથી અમેરિકા અને ઑસ્ટ્રેલિયાની સીધી ફ્લાઇટની સુવિધા પણ આપશે જે વિદેશમાં વસતા ભારતીયો માટે આકર્ષક માર્ગો હશે.
ADVERTISEMENT
470
પહેલી વખત કોઈ ઍરલાઇન્સ દ્વારા આટલી મોટી સંખ્યામાં વિમાનો ખરીદવાની ડીલ થઈ છે. અગાઉ ૨૦૧૧માં અમેરિકાની ઍરલાઇન્સે ૪૬૦ વિમાનો ખરીદ્યાં હતાં.