ફિનલૅન્ડ નાટોમાં જોડાયું, રશિયાએ ધમકી આપી, ‘એનાં પરિણામ ભોગવવાં પડશે’
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ફિનલૅન્ડ ઔપચારિક રીતે ગઈ કાલે નાટો (નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન)માં જોડાયું હતું, એ પછી તરત જ રશિયાએ ધમકી આપી હતી કે તમારે એનાં પરિણામ ભોગવવાં પડશે. ફિનલૅન્ડ નાટોમાં જોડાયા બાદ રશિયા સાથેની નાટોની બૉર્ડરની લંબાઈ ડબલ થઈ ગઈ છે. ફિનલૅન્ડના વિદેશપ્રધાન પેક્કા હાવિસ્ટોએ બ્રસેલ્સમાં નાટોના મુખ્યાલય ખાતે અમેરિકાના વિદેશપ્રધાન ઍન્ટની બ્લિન્કનને ઑફિશ્યલ દસ્તાવેજ સોંપીને નાટોમાં જોડાવાની પ્રક્રિયા પૂરી કરી હતી. નાટોના મહાસચિવ જેન્સ સ્ટૉલટનબર્ગે ફિનલૅન્ડનું આ સંગઠનમાં સ્વાગત કર્યું હતું.
તેમણે નોંધ્યું હતું કે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં યુદ્ધ શરૂ કરવા માટેનું એક કારણ નાટોના વ્યાપ વધારવાના પ્રયાસ સામે તેમનો વિરોધ હોવાનું જણાવ્યું હતું. જોકે પુતિનની ઇચ્છાથી વિરુદ્ધ થઈ રહ્યું છે. રશિયાએ જણાવ્યું હતું કે ફિનલૅન્ડ નાટોમાં જોડાયું એની વિરુદ્ધ એના વિરોધમાં પગલાં લેવાની રશિયાને ફરજ પડશે. એનાં પરિણામ ભોગવવાં પડશે.