યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વેનો છે આ અંદાજ, ૧૬૦૦થી વધારે મૃત્યુ કન્ફર્મઃ ભારતે ઑપરેશન બ્રહ્મા હેઠળ મોકલી ૧૫ ટન રાહતસામગ્રી
મ્યાનમારમાં રસ્તા પર પડી ગયેલો મોટો ખાડો અને નમી પડેલા બિલ્ડિંગ પાસેથી પસાર થતી રિક્ષા.
મ્યાનમાર અને એના પાડોશી દેશ થાઇલૅન્ડમાં શુક્રવારે આવેલા વિનાશકારી ભૂકંપના આફ્ટરશૉક્સ ગઈ કાલે પણ અનુભવાયા હતા. ભૂકંપ બાદ મુખ્યત્વે મ્યાનમારમાં ઠેર-ઠેર તારાજી જોવા મળી રહી છે. આ ભૂકંપને કારણે મ્યાનમાર-થાઇલૅન્ડમાં આશરે ૧૬૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે તેમ જ ૨૩૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વેએ ૧૦,૦૦૦થી વધુ લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરી છે. જોકે આ વિશે હજી સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ગુમ થયેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે. શુક્રવારે બપોરે આવેલા ભૂકંપની તીવ્રતા ૭.૭ હતી અને એનું કેન્દ્રબિંદુ મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મૅન્ડલે નજીક હતું. આ પછી પણ ભૂકંપના પંદરથી વધુ નાના-મોટા આંચકા અનુભવાયા હતા. ત્યાર બાદ ગઈ કાલે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારત મ્યાનમારની મદદે આવ્યું છે.
મ્યાનમારમાં આવેલા ભયાનક ભૂકંપ બાદ ભારતે ઑપરેશન બ્રહ્મા હેઠળ તાત્કાલિક માનવીય સહાયરૂપે ૧૫ ટનથી વધુ રાહતસામગ્રીનો પહેલો જથ્થો રવાના કર્યો હતો. હિન્ડન ઍરફોર્સ સ્ટેશનથી ભારતીય વાયુસેના (IAF)ના C-130J પ્લેન દ્વારા મ્યાનમારમાં રાહતસામગ્રી મોકલવામાં આવી હતી. રાહત અને બચાવકામગીરી માટે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમ મોકલાઈ હતી. આ રાહતપૅકેજમાં ટેન્ટ, સ્લીપિંગ બૅગ, ધાબળા, ખાવાનો તૈયાર ખોરાક, વૉટર પ્યુરિફાયર, સ્વચ્છતા કિટ, સોલર લૅમ્પ, જનરેટર સેટ અને પૅરાસિટામોલ, ઍન્ટિ-બાયોટિક્સ, સિરિન્જ, મોજાં અને પટ્ટા જેવી આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે. ભારત હંમેશાં કુદરતી આફતોના સમયે પાડોશી દેશોની મદદ માટે તત્પર રહ્યું છે અને આ વખતે પણ ભારતે પોતાની જવાબદારી નિભાવી છે.
ADVERTISEMENT
ભૂકંપ બાદથી જ મ્યાનમારમાં ઇન્ટરનેટ-સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. એને કારણે જાનમાલના નુકસાનની જાણકારી દુનિયા સામે નથી આવી રહી. મ્યાનમારમાં સેનાએ ઇમર્જન્સીની જાહેરાત કરી છે તથા દુનિયાના દેશોને મદદ કરવા માટે અપીલ કરી છે.

