અનંત અંબાણી અગાઉ સાંઈબાબાનાં દર્શન કરવા આવવાના હતા, પણ બે વખત તારીખ નક્કી થયા બાદ એ પ્રોગ્રામ કૅન્સલ થયો હતો
ફાઇલ તસવીર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચૅરમૅન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ ગઈ કાલે શિર્ડીના સાંઈબાબાનાં દર્શન કર્યાં હતાં અને બપોરે આરતી કરી હતી. ત્યાર બાદ તેમણે સાંઈ સંસ્થાનને ૧.૫૧ કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.
શનિવારે ધનતેરસના શુભ મુહૂર્તે તેમના મોટા ભાઈ આકાશ અંબાણીએ રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજીનાં દર્શન કર્યાં હતાં અને જિયોની 5G વાઇફાઇ સર્વિસ લૉન્ચ કરી હતી. હવે અનંત અંબાણીએ સાંઈબાબાનાં દર્શન કર્યાં. ઑગસ્ટમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ઍન્યુઅલ જનરલ મીટિંગમાં તેમના એનર્જી યુનિટ જે સોલર, બૅટરી અને હાઇડ્રોજનમાં ઇન્વેસ્ટ કરે છે એના ભવિષ્યના લીડર તરીકે અનંત અંબાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે આકાશ અંબાણી હાલમાં રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ લિમિટેડના ચૅરમૅન છે.
ADVERTISEMENT
જોકે અનંત અંબાણી અગાઉ સાંઈબાબાનાં દર્શન કરવા આવવાના હતા, પણ બે વખત તારીખ નક્કી થયા બાદ એ પ્રોગ્રામ કૅન્સલ થયો હતો અને આખરે ગઈ કાલે દિવાળીના શુભ દિવસે તેમણે બાબાનાં દર્શન કર્યાં હતાં. જોકે તેઓ આવવાના હોવાની આગોતરી જાણ શિર્ડી સાંઈ સંસ્થાનને કરવામાં આવી હોવાથી તેમને માટે સિક્યૉરિટીની વ્યવસ્થા કરી હતી, જેમાં પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. દિવાળીનો દિવસ હોવાથી અનેક ભક્તો સાંઈચરણે માથું નમાવવા આવ્યા હતા.