Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાંચ વર્ષ પછી મળ્યા નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ, ૫૦ મિનિટ ચાલી મીટિંગ

પાંચ વર્ષ પછી મળ્યા નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ, ૫૦ મિનિટ ચાલી મીટિંગ

Published : 24 October, 2024 12:17 PM | Modified : 24 October, 2024 12:58 PM | IST | Russia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રિક્સ સંમેલનમાં ભારત અને ચીનના વડાઓની બેઠકમાં અનેક મુદ્દે સહમતી.સરહદ પર શાંતિ બનાવી રાખવી એ સૌથી મોટી પ્રાયોરિટી હોવી જોઈએ : નરેન્દ્ર મોદી. ભારત અને ચીને પ્રાચીન સભ્યતાઓ, મતભેદોને મૅનેજ કરવાં જરૂરી : શી જિનપિંગ

નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ

નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ


રશિયાના કઝાનમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા (BRICS-બ્રિક્સ) દેશોના શિખર સંમેલનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી અને આશરે ૫૦ મિનિટ ચાલેલી આ બેઠકમાં બેઉ નેતાઓ વચ્ચે અનેક મુદ્દે સહમતી બની હતી.


પાંચ વર્ષના સમયગાળા બાદ બેઉ દેશોના ટોચના નેતાઓ વચ્ચે આ બેઠક એવા સમયે યોજાઈ હતી જ્યારે ભારત અને ચીને દેપસાંગના મેદાની ક્ષેત્ર અને ડેમચોક ક્ષેત્રમાં એકબીજાને પૅટ્રોલિંગ કરવાના અધિકાર આપવા પર સહમતી દર્શાવી હતી. આ પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણરેખા પર થઈ રહેલા સંઘર્ષના નિરાકરણની કોશિશને દર્શાવે છે.



આ મુદ્દે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરહદ પર શાંતિ બનાવી રાખવી એ સૌથી મોટી પ્રાયોરિટી હોવી જોઈએ. ભારત અને ચીન વચ્ચે સંબંધ વૈશ્વિક શાંતિ માટે ખૂબ જરૂરી છે. એકબીજાનું સન્માન હોવું જોઈએ. સીમા મુદ્દે સહમતી સાધવામાં આવી છે એ મુદ્દે અમે સ્વાગત કરીએ છીએ. બીજી તરફ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે કહ્યું હતું કે ભારત અને ચીને પ્રાચીન સભ્યતાઓ, મતભેદોને મૅનેજ કરવાં જરૂરી છે.  


બેઉ નેતાઓ વચ્ચે ૨૦૧૯ બાદ પહેલી વાર દ્વિપક્ષીય બેઠક થઈ હતી. છેલ્લે બ્રાઝિલમાં થયેલા બ્રિક્સ શિખર સંમેલનમાં તેમની વચ્ચે આવી બેઠક થઈ હતી. બેઉ દેશો વચ્ચે સરહદના મુદ્દે તંગદિલી હોવાના કારણે પાંચ વર્ષમાં ટોચના નેતાઓ વચ્ચે કોઈ બેઠક થઈ નહોતી. ચીન સરહદ પર ઘૂસણખોરી કરતું હતું અને ગલવાન અને લદાખમાં સરહદ પર તંગદિલીભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. જોકે રાજદ્વારી અને મિલિટરી લેવલે ચર્ચાઓના દોર બાદ ૭૨ કલાક પછી બેઉ નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.

બેઠક બાદ વિદેશ સચિવે કહ્યું હતું કે સરહદ પર પૅટ્રોલિંગના મુદ્દે સહમતી બની એ બાદ બેઉ દેશના નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ માટે બેઉ દેશોના નેતાઓએ ખુશી વ્યક્ત કરી હતી. સરહદ સંબંધી બાબતને અમે શાંતિ અને સ્થિરતા પર અસર નહીં પડવા દઈએ. ભારત અને ચીનના સ્પેશ્યલ પ્રતિનિધિઓ ફરીથી જલદી મળશે. ભારતના સ્પેશ્યલ પ્રતિનિધિ નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલ છે.


અમે વાટાઘાટો અને ડિપ્લોમસીને ટેકો આપીએ છીએ, યુદ્ધને નહીં : નરેન્દ્ર મોદી

બ્રિક્સ દેશોના શિખર સંમેલનમાં બંધ બારણે થયેલી બેઠકને સંબોધતાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ભારત વાટાઘાટો અને ડિપ્લોમસીને ટેકો આપે છે, યુદ્ધને નહીં. આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે વિશ્વ સામે ઘણા પડકારો છે. દુનિયા ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમમાં વિભાજિત થઈ છે પણ આપણી સામે ફુગાવો, આરોગ્ય, પાણી, ખાદ્ય પદાર્થ, ઊર્જા જેવા સેક્ટરમાં પડકારો ઊભા છે. આ મુદ્દે અગ્રક્રમ આપવાની જરૂર છે. ટેક્નૉલૉજીના આ દોરમાં ખોટી માહિતી ફેલાવવી, સાઇબર
ફ્રૉડ અને ડીપફેક જેવા મુદ્દા પડકારજનક છે.’

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

એક્સલન્સી, તમને મળીને હું ખૂબ ખુશ છું અને તમે કહ્યું એમ આપણી વચ્ચે પાંચ વર્ષ બાદ ઔપચારિક બેઠક યોજાઈ છે. મારું માનવું છે કે ભારત અને ચીન વચ્ચે સંબંધોનું મહત્ત્વ માત્ર આપણા બે દેશના નાગરિકો પૂરતું નથી પરંતુ સમગ્ર વિશ્વની શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે પણ મહત્ત્વપૂર્ણ છે.

એક્સલન્સી, અમે સરહદ પર છેલ્લાં ૪ વર્ષમાં ઉદ્ભવેલા મુદ્દાઓ પર પહોંચેલી સર્વસંમતિને આવકારીએ છીએ. આપણી સરહદ પર શાંતિ અને સ્થિરતા રહે એ સુનિશ્ચિત કરવું આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. પરસ્પર વિશ્વાસ, પરસ્પર આદર અને પરસ્પર સંવેદનશીલતા આપણા દ્વિપક્ષીય સંબંધોનો આધાર હોવાં જોઈએ. આજે આ તમામ મુદ્દાઓ વિશે બોલવાની તક મળી છે અને મને વિશ્વાસ છે કે આપણે આ વાટાઘાટો ખુલ્લા મનથી કરીશું અને આપણી વાતચીત આગળ વધતાં રચનાત્મક રહેશે. આપનો આભાર.

શી જિનપિંગે શું કહ્યું?

મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, અહીં કઝાનમાં તમને મળીને મને ખૂબ આનંદ થયો છે. અમારા માટે પણ છેલ્લાં પાંચ વર્ષમાં ઔપચારિક બેઠક મળી હોય એવો આ પહેલો પ્રસંગ છે. આપણા બે દેશના લોકો અને વિશ્વસમુદાય પણ આ બેઠક પર ધ્યાન લગાવીને બેઠો છે. ચીન અને ભારત બન્ને પ્રાચીન સંસ્કૃતિઓ, મોટા વિકાસશીલ દેશો અને ગ્લોબલ સાઉથના મહત્ત્વના સભ્યો છે. આપણે બેઉ દેશો આધુનિકીકરણના પ્રયાસોમાં નિર્ણાયક તબક્કામાં છીએ. પરસ્પરનાં હિત-સંબંધોને જાળવી રાખીને આપણે આગળ વધીએ એ બેઉ દેશોના લોકો માટે પણ જરૂરી છે. બેઉ દેશો વચ્ચે સંવાદ અને સહકાર હોવા જરૂરી છે. આપણા મતભેદો અને વિરોધોને યોગ્ય રીતે હૅન્ડલ કરવા પણ જરૂરી છે જેથી બેઉ દેશોના વિકાસની યાત્રા આગળ વધતી રહે. બેઉ દેશો માટે આપણી આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને નિભાવવી અને લોકશાહી અને મલ્ટિપોલરાઇઝેશનને પ્રોત્સાહન આપવા યોદાન આપવું પણ જરૂરી છે. મિસ્ટરર પ્રાઇમ મિનિસ્ટર, હું અમારા દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતના મુદ્દાઓ પર તમારી સાથે વિચારોની આપ-લે કરવા તૈયાર છું.

મોદીએ કર્યું ટ્વીટ

કઝાનમાં બ્રિક્સ શિખર સંમેલનના અવસરે ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. ભારત-ચીન સંબંધ અમારા બેઉ દેશોના લોકો અને ક્ષેત્રીય અને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ છે. આપસી વિશ્વાસ, આપસી સન્માન અને આપસી સંવેદનશીલતા દ્વિપક્ષીય સંબંધોનું માર્ગદર્શન કરશે.

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2024 12:58 PM IST | Russia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK