Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > PNB બૅન્ક સાથે ૧૩,૮૫૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારો ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોકસી બેલ્જિયમમાં

PNB બૅન્ક સાથે ૧૩,૮૫૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારો ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોકસી બેલ્જિયમમાં

Published : 24 March, 2025 10:26 AM | IST | Belgium
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતે તેના પ્રત્યર્પણની કાર્યવાહી શરૂ કરી : કૅન્સરની સારવાર માટે તે સ્વિટ્ઝરલૅન્ડ જવાની તૈયારીમાં

મેહુલ ચોકસી

મેહુલ ચોકસી


ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસી બેલ્જિયમના ઍન્ટવર્પમાં તેની બેલ્જિયન પત્ની પ્રીતિ ચોકસી સાથે રહે છે, એમ અસોસિએટ્સ ટાઇમ્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય અધિકારીઓએ મેહુલ ચોકસીના પ્રત્યર્પણ માટેની પ્રક્રિયા શરૂ કરવા બેલ્જિયમના સમકક્ષોનો સંપર્ક સાધ્યો છે.


મેહુલ ચોકસી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા વૉન્ટેડ છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના આરોપ મુજબ તેણે પંજાબ નૅશનલ બૅન્ક (PNB) સાથે ૧૩,૮૫૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. તે કૅરિબિયન ટાપુ દેશ ઍન્ટિગા અને બાર્બુડામાં રહેતો હોવાનું માનવામાં આવે છે.



જોકે ગુજરાતના આ હીરાના વેપારીએ તબીબી સારવાર માટે ઍન્ટિગા અને બાર્બુડા છોડી દીધું છે, પણ તે આ દેશનો નાગરિક છે એમ આ દેશના વિદેશપ્રધાન ઈ. પી. ચેટ ગ્રીને ૧૯ માર્ચે ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું.


૬૫ વર્ષના મેહુલ ચોકસી બેલ્જિયમમાં એફ રેસિડન્સી કાર્ડ પર રહે છે અને આ કાર્ડ તેને તેની બેલ્જિયન પત્ની પ્રીતિ ચોકસીની મદદથી ૨૦૨૩ની ૧૫ નવેમ્બરે પ્રાપ્ત થયું હતું. આ કાર્ડના ઉપયોગથી બેલ્જિયમમાં કાયદેસર રહેતા ત્રીજા દેશના કોઈ પણ નાગરિક તેની સાથે જીવનસાથી અથવા અન્ય કોઈ વ્યક્તિને રાખી શકે છે.

ન્યુઝ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભાગેડુ ઉદ્યોગપતિએ બેલ્જિયમમાં રહેઠાણ માટે અરજી કરવા અને ભારતમાં પ્રત્યર્પણનો પ્રતિકાર કરવા માટે ગેરમાર્ગે દોરનારા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યાનો આરોપ છે.


મેહુલ ચોકસીએ તેની ભારતીય નાગરિકતા છોડી નથી. એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે જો બેલ્જિયમની ટેમ્પરરી રેસિડન્સી કાયમી રહેઠાણમાં રૂપાંતરિત થાય તો એ મેહુલ ચોકસીને યુરોપના કોઈ પણ દેશમાં પ્રવાસની આઝાદી આપશે અને એના કારણે ભારત માટે તેનું પ્રત્યર્પણ કરવું મુશ્કેલ બની શકે છે.

રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોકસી કૅન્સરની સારવાર માટે સ્વિટ્ઝરલૅન્ડની કોઈ હૉસ્પિટલમાં જવાની યોજના બનાવી રહ્યો છે. માનવતાનાં કારણસર તેને ભારતમાં પ્રત્યર્પિત ન કરવો જોઈએ એવાં કારણો આ માટે શોધવામાં આવી રહ્યાં છે.

PNB બૅન્ક સાથે છેતરપિંડીનો કેસ બહાર આવ્યા બાદ મેહુલ ચોકસી ૨૦૧૮ના જાન્યુઆરીમાં ભારતમાંથી ભાગી છૂટ્યો હતો. ૨૦૨૪ના મે મહિનામાં તેણે મુંબઈની એક સ્પેશ્યલ કોર્ટને જણાવ્યું હતું કે મારા નિયંત્રણની બહારનાં કારણોસર હું ભારત પાછો ફરી શકું એમ નથી અને એથી મને ભાગેડુ આર્થિક ગુનેગાર કહી શકાય નહીં. ED દ્વારા સમન્સ ટાળવા બદલ તેને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા અને તેની મિલકતો જપ્ત કરવા સ્પેશ્યલ કોર્ટમાં અરજી કરવામાં આવ્યા બાદ તેણે કોર્ટને ઉપરોક્ત વાત જણાવી હતી.

૨૦૨૧ના મે મહિનામાં તે ઍન્ટિગાથી ગુમ થયો હતો જેના કારણે ભારત સરકાર દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાની અટકળો શરૂ થઈ હતી. જોકે તે બીજા કૅરિબિયન ટાપુ દેશ ડૉમિનિકામાં મળી આવતાં આ વાહિયાત દાવો ખોટો સાબિત થયો હતો.

૨૦૨૪ના ડિસેમ્બરમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં જણાવ્યું હતું કે ચોકસી જેવા વૉન્ટેડ વ્યક્તિઓનાં દેવાં ચૂકવવા માટે ૨૨,૨૮૦ કરોડ રૂપિયાની મિલકતો વેચી દેવામાં અથવા કબજામાં લેવાઈ છે. તેનો ભત્રીજો નીરવ મોદી પણ PNB બૅન્ક સાથે છેતરપિંડીના એક અન્ય કેસમાં આરોપી છે જે ધરપકડથી બચવા ભારતથી નાસી છૂટ્યો હતો અને હાલમાં બ્રિટનની જેલમાં છે અને તેની સામે ભારત દ્વારા પ્રત્યર્પણની કાનૂની લડાઈ ચાલી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2025 10:26 AM IST | Belgium | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK