લૉસ ઍન્જલસમાં આગથી મરણાંક વધીને ૧૬ થયો, ૧૩ વ્યક્તિ ગુમ : ૧૩ લાખ કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ : આવતા અઠવાડિયે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી પરિસ્થિતિ વધારે બગડી શકે છે
હેલિકૉપ્ટરથી પાણીનો મારો કરીને આગ ઓલવવાની કોશિશ કરી રહેલા અધિકારીઓ.
અમેરિકાના કૅલિફૉર્નિયાનાં જંગલોમાં લાગેલી આગે લૉસ ઍન્જલસ શહેરના એક મોટા વિસ્તારને આગમાં ભસ્મીભૂત કરી નાખ્યો છે. મરણાંક વધીને ૧૬ થયો છે અને ૧૩ જણ ગુમ છે. આગમાં ૧૨,૦૦૦થી વધારે મકાનો આગમાં સ્વાહા થઈ ગયાં છે જેમાં હૉલીવુડના અનેક મહાનુભાવોનાં મોંઘા ઘરનો સમાવેશ છે. આ આગના દાવાનળમાં અત્યાર સુધી ૧૩ લાખ કરોડની સંપત્તિનું નુકસાન થયું હોવાનો અંદાજ છે જે આપણે ત્યાં ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશના બજેટથી પણ વધારે છે. ઉત્તર પ્રદેશનું બજેટ ૭ લાખ કરોડ, બિહારનું ૨.૭૫ લાખ કરોડ અને મધ્ય પ્રદેશનું ત્રણ લાખ કરોડ જેટલું છે.
લૉસ ઍન્જલસની આગ એટલા માટે ચર્ચામાં છે, કારણ કે એમાં પહેલી વાર આગે વિશાળ ભૂ પ્રદેશને ભસ્મીભૂત કર્યો છે અને અમેરિકા જેવા સાધનસંપન્ન દેશમાં જ્યાં બધી સુવિધાઓ ઉપલબ્ધ છે એને ઘૂંટણિયે લાવી દીધો છે.
ADVERTISEMENT
હવામાન ખાતાએ ચેતવણી આપી છે કે આગામી અઠવાડિયે ભારે પવન ફૂંકાઈ શકે છે એથી પરિસ્થિતિ વધારે બગડી શકે છે.
લૉસ ઍન્જલસમાં ચારે તરફથી આગ લાગી છે, દોઢ લાખ લોકો વિસ્થાપિત થયા છે. ધ પેલીસેડ્સ ફાયર ૨૨,૦૦૦ એકરમાં ફેલાઈ ચૂકી છે. ૨૨,૬૦૦ એકરમાંથી માત્ર ૧૧ ટકા વિસ્તારમાં આગ કાબૂમાં આવી છે. ઇટન ફાયર પણ બુઝાઈ નથી અને આગ વધારે ફેલાઈ રહી છે. એલ્ટાડેના વિસ્તારની આગ પણ ભભૂકી રહી છે. અહીં ૧૪,૦૦૦ એકરમાંથી માત્ર ૧૫ ટકા વિસ્તારમાં આગ પર કાબૂ મેળવી શકાયો છે. હજી ૫૭,૦૦૦ દુકાનો અને મકાનો આગની ચપેટમાં આવે એવી શક્યતા છે.
સાતમી જાન્યુઆરી બાદ લાગેલી આગમાં ૩૯,૦૦૦ એકર જમીન આગમાં સ્વાહા થઈ ચૂકી છે.