વર્ષ 2004માં, ફેસબુકની સ્થાપનાના 18-વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત, આટલી મોટી છટણી કરવામાં આવી છે
પ્રતીકાત્મક તસવીર
ફેસબુક (Facebook)ની પેરન્ટ કંપની મેટા (Meta) પ્લેટફોર્મે એક જ ઝટકે 11,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે નબળા નાણાકીય પરિણામો, વધતા ખર્ચ અને નબળા જાહેરાત બજારને કારણે તે તેના 13 ટકા કર્મચારીઓ એટલે કે 11,000 કર્મચારીઓની છટણી કરી રહી છે. વર્ષ 2022માં ટેક કંપની દ્વારા આ સૌથી મોટી છટણી છે. મેટાએ કહ્યું છે કે કંપની આગામી દિવસોમાં નવા કર્મચારીઓની ભરતી કરશે નહીં.
મેટાના સીઈઓ માર્ક ઝુબરબર્ગે એક નિવેદનમાં કહ્યું કે, “આજે અમે જે નિર્ણય પર પહોંચ્યા તેની જવાબદારી હું લઉં છું. હું જાણું છું કે આ દરેક માટે મુશ્કેલ છે. હું તે લોકોની માફી માગવા ઈચ્છું છું જેમને આનાથી અસર થઈ છે.”
ADVERTISEMENT
વર્ષ 2004માં, ફેસબુકની સ્થાપનાના 18-વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત, આટલી મોટી છટણી કરવામાં આવી છે, જે ડિજિટલ જાહેરાતોથી થતી આવકમાં તીવ્ર ઘટાડો દર્શાવે છે. ગયા અઠવાડિયે ટ્વિટરે પણ મોટા પાયે લોકોને છૂટા કર્યા હતા. મીડિયા અહેવાલો મુજબ એલન મસ્ક દ્વારા કંપની ખરીદ્યા પછી ટ્વિટરે તેના કર્મચારીઓમાં લગભગ 50 ટકાનો ઘટાડો કર્યો છે.
આસમાની મોંઘવારી અને ઝડપથી વધી રહેલા વ્યાજદરના કારણે અમેરિકી અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે અને મંદી આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોવિડ મહામારી દરમિયાન ટેક કંપનીઓના વધતા વેલ્યુએશન પર હવે સવાલો ઉઠી રહ્યા છે. મેટાના સ્ટોકમાં બે તૃતીયાંશ ટકાનો ઘટાડો થયો છે. માર્ક ઝુકરબર્ગે સપ્ટેમ્બરના અંતમાં કર્મચારીઓને ચેતવણી આપી હતી કે મેટા ખર્ચ ઘટાડવા અને ટીમોનું પુનર્ગઠન કરવાનો ઇરાદો ધરાવે છે.