ઇલૉન મસ્કે એક મેસેજ પોસ્ટ કર્યો હતો, ‘હું ઝકરબર્ગ સાથે કેજ ફાઇટ માટે તૈયાર છું’, તો મેટાના બૉસે લખ્યું, ‘મને લોકેશન મોકલ’
માર્ક ઝકરબર્ગ અને ઇલૉન મસ્ક
દુનિયાના બે સૌથી હાઈ-પ્રોફાઇલ ટેક્નૉલૉજી બિલ્યનર્સ ઇલૉન મસ્ક અને માર્ક ઝકરબર્ગ એક કેજ મૅચમાં એકબીજા સાથે ફાઇટ કરવા સંમત થયા છે. કેજ ફાઇટને મિક્સ્ડ માર્શલ આર્ટ્સ પણ કહેવામાં આવે છે, જેમાં ફાઇટર્સ કેજ નામના એક ચોક્કસ ફાઇટિંગ એરિયામાં એકબીજાનો મુકાબલો કરે છે. મસ્કે તેના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર પર એક મેસેજ પોસ્ટ કર્યો હતો કે હું ઝકરબર્ગ સાથે કેજ ફાઇટ માટે તૈયાર છું.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટાના બૉસ ઝકરબર્ગે એ પછી મસ્કના ટ્વીટનો સ્ક્રીનશૉટ પોસ્ટ કર્યો હતો અને એ પછી કૅપ્શન લખી હતી, ‘મને લોકેશન મોકલ.’
એ પછી મસ્કે ઝકરબર્ગને જવાબમાં લખ્યું હતું, ‘વેગાસ ઑક્ટેગોન.’ ઑક્ટેગોન એ ફાઇટિંગ માટે જાણીતો એરિયા છે.
નોંધપાત્ર છે કે ૩૯ વર્ષનો માર્ક ઝકરબર્ગ ઑલરેડી મિક્સ્ડ માર્શલ આર્ટ્સની ટ્રેઇનિંગ લઈ રહ્યો છે અને તે રિસન્ટલી જિયુ-જિત્સુ ટુર્નામેન્ટ્સ જીત્યો હતો.
મસ્ક અને ઝકરબર્ગ વચ્ચેનું આ કમ્યુનિકેશન સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું છે. સોશ્યલ મીડિયા યુઝર્સ ચર્ચા કરી રહ્યા છે કે આ ફાઇટ કોણ જીતી શકે છે?
જોકે મસ્કનો ઇતિહાસ રહ્યો છે કે તેઓ એવાં સ્ટેટમેન્ટ્સ આપતા રહે છે જે હળવાશમાં અપાયાં હોય કે એ પછી તેમણે જે કહ્યું હોય એ બનતું નથી. જેમ કે આ વર્ષે એપ્રિલમાં તેમણે જણાવ્યું હતું કે મેં મારા ડૉગને ટ્વિટરનો ચીફ એક્ઝિક્યુટિવ બનાવ્યો છે.
નોંધપાત્ર છે કે આ મહિનાની શરૂઆતમાં મેટાએ ટેક્સ્ટ બેઝ્ડ સોશ્યલ નેટવર્ક માટેના પ્લાન્સ સ્ટાફને બતાવ્યા હતા. ટ્વિટરને કૉમ્પિટિશન આપવા માટે આ સોશ્યલ નેટવર્કને ડિઝાઇન કરાયું છે.