ધર્મના નામે લોકોને મારવામાં આવી રહ્યા છે; પાકિસ્તાન જેવા દેશો ધર્મના નામે અલગતાવાદ ફેલાવી રહ્યા છે, એને રોકવા આપણે શું કરવું જોઈએ?
મનોજ ચૌહાણ
પાકિસ્તાન પહોંચેલા કટ્ટર ધાર્મિક ઉપદેશક પ્રોફેસર ઝાકિર નાઈકને તેની સામે જ ઇસ્લામાબાદમાં મનોજ ચૌહાણ નામના પાકિસ્તાનમાં રહેતા હિન્દુ વિદ્ધાને ઇસ્લામના કટ્ટરવાદ વિશે સવાલ પૂછ્યો હતો અને એનો જવાબ આપવામાં ઝાકિર નાઈકે ગલ્લાંતલ્લાં કર્યાં હતાં.
ઇસ્લામાબાદમાં આયોજિત કાર્યક્રમમાં મનોજ ચૌહાણે ઝાકિર નાઈકની સામે જ ભાગવતનો સંસ્કૃતનો શ્લોક વાંચીને તેમની વાતની શરૂઆત કરી હતી અને ઇસ્લામિક ઉપદેશકને કટ્ટરવાદ વિશે સવાલ પૂછ્યો હતો.
ADVERTISEMENT
મનોજ ચૌહાણે જણાવ્યું હતું કે આ દુનિયામાં પહેલાં કોઈ અન્ય ધર્મ નહોતો અને માત્ર સનાતન ધર્મ હતો, એ દુનિયાનો સૌથી જૂનો ધર્મ છે.
પ્રોફેસર ચૌહાણે એક શ્લોકને ટાંકીને કહ્યું હતું કે ‘ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં કહે છે કે હે મનુષ્ય, સમાજ તારી કર્મભૂમિ છે અને તું તારાં કર્મોને કારણે ઓળખાઈશ. તું કર્મોથી ભાગ નહીં, તારું કર્મ જ તારું કર્તવ્ય છે અને તારું કર્તવ્ય જ તારો ધર્મ છે, પણ જે ધર્મ માત્ર પોતાના હિત માટે છે, તો એ ધર્મ પાપની તરફ જઈ રહેનારો છે. એટલે તું મારા-પોતાનાથી મુક્ત થઈને સમાજ માટે કામ કર, એ જ મોક્ષનો માર્ગ છે.’
આટલું જણાવીને પ્રોફેસર મનોજ ચૌહાણે સ્ટેજ પર ઉપસ્થિત ઝાકિર નાઈકને સવાલ કર્યો હતો કે ‘આખી દુનિયામાં, અહીં સુધી કે ભૂમધ્ય સમુદ્રના દેશોમાં પણ ધર્મના નામે લોકોને મારવામાં આવી રહ્યા છે. આથી ધર્મ બદનામ થઈ રહ્યો છે. મારો સવાલ છે કે પાકિસ્તાન સહિત દુનિયામાં એવા કેટલાય દેશો છે જે ધર્મના નામે અલગતાવાદ ફેલાવી રહ્યા છે, એને રોકવા માટે આપણે શું કરવું જોઈએ?’
પ્રોફેસર મનોજ ચૌહાણે તેમનું પ્રવચન પૂરું કર્યા બાદ બેઠા ત્યારે ઝાકિર નાઈક ઊભો થયો હતો અને સીધો આ સવાલનો જવાબ આપવાને બદલે આ સવાલને દોહરાવીને કહ્યું કે ‘આ ભાઈસાહેબનો સવાલ ઘણો મહત્ત્વનો છે કે આખરે ધર્મના નામે ઝઘડા શા માટે થાય છે? આનો ઉકેલ શું છે? મારી પાસે કુરાનની એક આયત છે જેને હું માસ્ટર કી કહું છું. એમાં કહેવામાં આવ્યું છે કે આવો આપણે એ વાત તરફ આગળ વધીએ જે આપણી વચ્ચે એક છે.’
કોણ છે ઝાકિર નાઈક?
૨૦૧૬થી મલેશિયામાં રહેતો ઝાકિર નાઈક હાલમાં પાકિસ્તાનમાં પ્રવચનો આપવા માટે આમંત્રિત છે અને ઇસ્લામાબાદ, કરાચી અને લાહોરમાં એની ઇવેન્ટ યોજાઈ છે. પાકિસ્તાને તેને લાલ જાજમ બિછાવીને આવકાર આપ્યો છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને નાયબ વડા પ્રધાન ઇશાક ડારને પણ તે મળવાનો છે. ભારતમાં નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તેની સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધી તેને ભાગેડુ જાહેર કર્યો છે.