ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાના ૪૭મા પ્રેસિડન્ટ તરીકે જેમાં શપથ લીધા હતા એ સમારોહના ચમકારા
ડોનલ્ડ ટ્રમ્પે તેમની પત્ની મેલૅનિયાને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો
કૅપિટલ હિલના રોટુન્ડામાં શપથગ્રહણ સમારોહ વખતે ડોનલ્ડ ટ્રમ્પે તેમની પત્ની મેલૅનિયાને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ પત્નીએ પહેરેલી હૅટ તેમની વચ્ચે આવી હતી. મેલૅનિયાએ પહોળા ઘેરાવવાળી હૅટ પહેરી હતી અને રોટુન્ડામાં પ્રવેશ કર્યા બાદ ટ્રમ્પ તેના ગાલ પર કિસ કરવા ગયા ત્યારે હૅટ વચ્ચે આવી હતી અને ટ્રમ્પે હવામાં જ કિસ કરી હતી. આ હૅટ ઇન્ટરનેટ પર સેન્સેશન બની ગઈ હતી અને લોકોએ આ મુદ્દે ટ્રમ્પની મજાક ઉડાવી હતી. એક યુઝરે કહ્યું હતું કે ક્યાંક તેનો મેકઅપ ખરાબ ન થઈ જાય એ ડરથી મેલૅનિયા ટ્રમ્પને ગાલ પર પણ કિસ કરવા દેતી નથી.
પહેલી હરોળમાં બેઠા વિદેશપ્રધાન એસ. જયશંકર
ADVERTISEMENT
ડોનલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૂતના રૂપમાં વૉશિંગ્ટન પહોંચેલા ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર પહેલી હરોળમાં બેસેલા નજરે પડ્યા હતા. તેમણે વડા પ્રધાન મોદીએ ડોનલ્ડ ટ્રમ્પને લખેલા પત્ર સાથે હાજરી આપી હતી. અમેરિકાના પ્રેસિડન્ટના શપથગ્રહણ સમારોહમાં પહેલી હરોળમાં સ્થાન મળવું એ ભારત અને અમેરિકાના ગાઢ સંબંધોની સાક્ષી છે. જપાનના વિદેશપ્રધાન તાકેશી ઈવાયા અને ઑસ્ટ્રેલિયાના વિદેશપ્રધાન પેની વૉન્ગ જયશંકર કરતાં બે હરોળ પાછળ બેઠા હતા. જયશંકરે જણાવ્યું હતું કે અમેરિકાના પ્રેસિડન્ટના શપથગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું સન્માનની વાત છે.
ડ્રૉઅરમાંથી ટ્રમ્પને બાઇડને લખેલો પત્ર મળ્યો, કહ્યું પહેલાં હું આ વાંચી લઉં છું
અમેરિકામાં એક પ્રેસિડન્ટ વિદાય લે પછી બીજા પ્રેસિડન્ટ માટે પત્ર દ્વારા એક મેસેજ છોડતા હોય છે અને આવો જ એક મેસેજ જો બાઇડને નવા પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ માટે મૂક્યો હતો. ટ્રમ્પ ઑફિસમાં વિવિધ ઑર્ડર પર સહી કરી રહ્યા હતા ત્યારે પત્રકારોએ આ વિશે સવાલ કરતાં તેમણે ડ્રૉઅર ખોલ્યું હતું અને અંદરથી એક કવર બહાર કાઢ્યું હતું, એના પર ૪૭ નંબર લખ્યો હતો. ડોનલ્ડ ટ્રમ્પ ૪૭મા પ્રેસિડન્ટ બન્યા છે. ટ્રમ્પ પહેલાં તો આ પત્ર જાહેરમાં વાંચવાનું કહેતા હતા પણ પછી તેમણે મન બદલ્યું હતું અને કહ્યું હતું કે પહેલાં હું એ વાંચીશ, પછી નિર્ણય લઈશ.
૧૯૮૯માં બે ટર્મ પ્રેસિડન્ટ રહ્યા બાદ રોનાલ્ડ રેગને વાઇટ હાઉસ છોડ્યું ત્યારે તેમણે આવનારા પ્રેસિડન્ટના નામે મેસેજ છોડવાની પરંપરા શરૂ કરી હતી, જે આજ સુધી ચાલી આવી રહી છે.
શપથવિધિના સમારોહ પછી ડાન્સ કરતાં ડોનલ્ડ અને મેલૅનિયા ટ્રમ્પ તથા જે.ડી. અને ઉષા વૅન્સ
એક્ઝિક્યુટિવ ઑર્ડર ઉપર હસ્તાક્ષર કરીને ટ્રમ્પે પેન ભીડ તરફ ફેંકી દીધી
વિવિધ એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા બાદ ડોનલ્ડ ટ્રમ્પે તેમની પેનને ઉપસ્થિત ભીડ તરફ ફેંકી દીધી હતી. આ પેનથી તેમણે અનેક ઑર્ડર પર સહી કરી હતી. ત્યાર બાદ લાકડાની ટ્રેમાં રાખવામાં આવેલી ઘણીબધી પેનો તેમણે પોતાના ચાહકો ભણી ફેંકી હતી જેને લેવા માટે પડાપડી થઈ હતી. લોકોએ આ પેનો સાથે સેલ્ફી પણ લીધા હતા.
મારે બૅરન નામનો એક ઊંચો પુત્ર છે, તમે એના વિશે સાંભળ્યું છે? ટ્રમ્પે પૂછ્યો સવાલ
ડોનલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલૅનિયાનો એક પુત્ર છે જેનું નામ બૅરન છે. એ છ ફીટ સાત ઇંચ ઊંચો છે. શપથગ્રહણ સમારોહમાં ટ્રમ્પે ઉપસ્થિત લોકો સમક્ષ તેની ઓળખ આપતાં કહ્યું હતું કે મારે એક ટૉલ પુત્ર છે, જેનું નામ બૅરન છે; તમે એના વિશે સાંભળ્યું છે? ટ્રમ્પે આમ પૂછતાં જ ભીડમાંથી અવાજો ઊઠવા લાગ્યા હતા. એ સમયે ટ્રમ્પનો પુત્ર તેની જગ્યા પરથી ઊભો થયો હતો અને લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે તે યુવા છે અને યુવા વોટને સમજે છે, આપણને યુવા વોટના ૩૬ ટકા મત મળ્યા છે.
શપથ લેતી વખતે ડોનલ્ડ ટ્રમ્પે બાઇબલ પર હાથ ન રાખ્યો
શપથ લેતી વખતે ડોનલ્ડ ટ્રમ્પે તેમનો જમણો હાથ ઊંચો કરીને રાખ્યો હતો પણ તેમણે ડાબો હાથ બાઇબલ પર રાખ્યો નહોતો. તેમની બરાબર બાજુમાં તેમની પત્ની મેલૅનિયા ઊભી હતી અને તેના હાથમાં બે બાઇબલ હતાં, જે પૈકી એક ટ્રમ્પના પરિવારનું બાઇબલ હતું અને બીજું લિંકન બાઇબલ હતું. લિંકન બાઇબલ પર હાથ રાખીને ૧૬મા પ્રેસિડન્ટે ૧૮૬૧માં અને પછી બરાક ઓબામાએ શપથ ગ્રહણ કર્યા હતા. અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જૉન રૉબર્ટ્સના નેતૃત્વમાં કોર્ટના મેમ્બરો શપથગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા અને તેમણે ટ્રમ્પને શપથ લેવડાવ્યા હતા.