નૉર્થ કૅરોલિનાના સેલિસબરીમાં સગીરે અંધાધૂંધ ગોળીબાર કર્યો
મૈનાંક પટેલ
અમેરિકાના નૉર્થ કૅરોલિનાના સેલિસબરીમાં મૂળ વડોદરાના અને ૧૭ વર્ષથી અમેરિકા રહેતા ૩૬ વર્ષના મૈનાંક પટેલ પર માસ્ક પહેરીને આવેલા એક સગીરે ફાયરિંગ કરતાં તેમનું મૃત્યુ થયું હતું. મૈનાંકની પત્ની અમીએ પતિને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમાં સફળતા નહોતી મળી. પોલીસે ફાયરિંગ કરનાર સગીરની ધરપકડ કરી છે. ૧૩ ઑગસ્ટે સવારે ૧૧.૩૦ વાગ્યાની આ ઘટનામાં જીવ ગુમાવનારા મૈનાંક પટેલના ગઈ કાલે રાતે ૧૧.૩૦ વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મૈનાંક સેલિસબરીના રોવન કાઉન્ટીમાં આવેલા ગૅસ સ્ટેશનમાં મૅનેજર હતો.
વડોદરા રહેતી મૈનાંક પટેલની બહેન આરોહી પટેલે કહ્યું કે ‘મારો ભાઈ મૈનાંક અહીં જ ગ્રૅજ્યુએટ થયો હતો. ૨૦૦૭માં તે હાયર સ્ટડી કરવા અમેરિકા ગયો હતો. કમ્પ્યુટર સાયન્સ કર્યા બાદ તે અમેરિકામાં જ સ્થાયી થયો હતો. ૧૩ ઑગસ્ટે એક સગીરે ગૅસ સ્ટેશનમાં ફાયરિંગ કરતાં મૈનાંકનું મૃત્યુ થયું હતું. મૈનાંક આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન સમારંભમાં સામેલ થવા વડોદરા આવ્યો હતો. મમ્મી આશાબહેન અને પપ્પા નીલેશભાઈનાં પણ ગ્રીન કાર્ડ આવી જતાં તેઓ ૬ મહિનાથી અમેરિકામાં મૈનાંક સાથે રહે છે. મૈનાંકને એક પુત્ર છે.’