લાઇવ રેડિયો શોમાં કૉલરે વડા પ્રધાન મોદીનાં માતા માટે અપશબ્દ કહેતા વિવાદ
મોદી અને માતા હીરા બા
બીબીસી એશિયન નેટવર્કના રેડિયો શોનો એક કાર્યક્રમ વિવાદમાં ઘેરાયો છે. બીબીસી પરથી પ્રસારિત થતાં બિગલ ડિબેટ નામના એક રેડિયો શો દરમ્યાન એક કૉલર વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાને અપશબ્દો કહેવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે, જેને પગલે સોશ્યલ મીડિયા પર ધાંધલ મચી જવા પામી છે. બીજી બાજુ ભારતમાં ટ્વિટર પર બૉયકૉટ બીબીસી અને બૅન બીબીસી ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
‘લંડનમાં રહેતાં શીખો અને ભારતના લોકો પ્રત્યે વંશીય ભેદભાવ’ પર બીબીસી દ્વારા એક ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન ઍન્કર સાઇમન નામના એક કૉલર સાથે વાત કરી રહી હતી તે વેળાએ આ કૉલરે પંજાબીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતાને ગાળ આપી હતી. વંશીય ભેદભાવની વાત આવીને ખેડૂત આંદોલનમાં ફેરવાઈ જાય છે. બીબીસી ઍન્કર આ શખસને રોકવાની કોશિશ કરી રહી હોય છે એટલામાં જ કૉલ કટ થઈ જાય છે. આ ઘટના પછી #BoycottBBC ટ્રેન્ડ થઈ રહ્યો છે તેમ જ લોકો બીબીસી પર બૅન લગાવવાની માગણી કરી રહ્યા છે.

