ઇટ હૅપન્સ ઓન્લી ઇન નૉર્થ કોરિયા
ફાઇલ તસવીર
નૉર્થ કોરિયાના ચેગાન્ગ પ્રોવિન્સમાં જુલાઈ મહિનામાં આવેલા ભારે પૂરને કારણે આશરે ૪૦૦૦ લોકોનાં મૃત્યુ થયા હતાં અને કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું હતું. આ પૂર ખાળવામાં નિષ્ફળ રહેલા ૩૦ ઉચ્ચ અધિકારીઓને નૉર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના આદેશના પગલે ઑગસ્ટના અંતમાં એકસાથે જાહેરમાં ફાંસી આપી દેવામાં આવી હોવાના અહેવાલ સાઉથ કોરિયા અને અમેરિકાનાં અખબારોમાં પ્રકાશિત થયા છે. જોકે આ ન્યુઝને નૉર્થ કોરિયાએ સમર્થન આપ્યું નથી.
સાઉથ કોરિયાની ન્યુઝ-એજન્સીઓએ જણાવ્યું હતું કે આ અધિકારીઓ પર પૂર રોકવાની જવાબદારી હતી અને તેઓ એ કામ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ૪૦૦૦ લોકોનાં મૃત્યુ ઉપરાંત ૫૦૦૦ લોકો બેઘર થયા હતા. કરોડોની સંપત્તિને નુકસાન થયું હતું અને આ વિસ્તારને ફરી ઊભો કરતાં ત્રણ મહિના લાગશે.
ADVERTISEMENT
નૉર્થ કોરિયાના મતે પૂરમાં આશરે ૧૦૦૦થી ૧૫૦૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેમનું માનવું છે કે સાઉથ કોરિયા અમારા વિશે ખોટી અફવાઓ ફેલાવે છે.
ટૂરિસ્ટો માટે સરહદો ખોલશે
કિમ જોંગ ઉન હવે નૉર્થ કોરિયાની સરહદો વિદેશી સહેલાણીઓ માટે ખોલવા માગે છે અને પહેલા તબક્કામાં સમજ્યોન શહેરમાં ગન રેન્જ, લુબ્રિકન્ટ પ્લાન્ટ અને પોટાટો ફાર્મની ટૂરિસ્ટો વિઝિટ કરી શકશે. આ સિવાય કૅપિટલ સિટી પ્યૉન્ગયાન્ગને પણ સહેલાણીઓ માટે ખોલવામાં આવશે. આ શહેરમાં ૩૭ વર્ષથી અટકેલા ૧૦૫ માળની હોટેલના એક પ્રોજેક્ટ માટે વિદેશી ભંડોળની શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે. રોકાણ કરનારાઓને એમાં કસીનો ખોલવાની છૂટ આપવામાં આવશે.