ભારતીય એમ્બેસીની બહાર વિરોધ-પ્રદર્શન કરી રહેલા ખાલિસ્તાનના સપોર્ટર્સે પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના અમેરિકન કૉરસ્પૉન્ડન્ટને માર માર્યો અને ધમકી આપી
ખાલિસ્તાની સમર્થકો અને અમૃતપાલ સિંહ (ફાઇલ તસવીર)
વિદેશોમાં ખાલિસ્તાની સમર્થકો સતત ભારતનાં હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. હવે વૉશિંગ્ટનમાં ભારતીય એમ્બેસીની બહાર વિરોધ-પ્રદર્શન કરી રહેલા ખાલિસ્તાનના સપોર્ટર્સે એક મૂળ ભારતીય પત્રકાર પર હુમલો કર્યો હતો. આ પત્રકારને માર મારવામાં આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી. ઇન્ડિયન મિશને આ ઘટનાની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે આવી ઍક્ટિવિટીઝ આ અલગતાવાદીઓના હિંસક અને સમાજવિરોધી સ્વભાવનો સારી રીતે ખ્યાલ આપે છે.
ન્યુઝ એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના અમેરિકન કૉરસ્પૉન્ડન્ટ લલિત કે ઝા ખાલિસ્તાનના સમર્થનમાં અને ભારતના વિરોધમાં એક પ્રદર્શનનું કવરેજ કરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે અમેરિકન સીક્રેટ સર્વિસ અને લોકલ પોલીસે સમયસર આ મામલે ઝંપલાવીને તેમને બચાવી લીધા હતા.
ADVERTISEMENT
વૉશિંગ્ટનમાં ઇન્ડિયન એમ્બેસીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘વૉશિંગ્ટન ડીસીમાં કહેવાતા ખાલિસ્તાન વિરોધ-પ્રદર્શનને કવર કરતી વખતે પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના સિનિયર ઇન્ડિયન જર્નલિસ્ટ પર હુમલાના વિચલિત વિઝ્યુઅલ્સ અમે જોયા છે. અમારા ખ્યાલ મુજબ આ પત્રકારને સૌપ્રથમ ધમકી આપવામાં આવી હતી અને એ પછી તેમના પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. પોતાની સુરક્ષા માટે આ પત્રકારે પોલીસને કૉલ કરવો પડ્યો હતો કે જેમણે ત્વરિત કાર્યવાહી કરી હતી.’
ઇન્ડિયન મિશને આ મામલે તાત્કાલિક પગલાં લેવા બદલ સીક્રેટ સર્વિસ અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન કરનારાઓએ કૅમેરાની સામે આવીને અને તેમના ચહેરા પર ખાલિસ્તાની ઝંડો લાવીને ન ફક્ત આ પત્રકારના કામમાં અવરોધ ઊભો કર્યો હતો, પરંતુ તેઓ તેમને ધક્કો મારતા રહ્યા હતા. સીક્રેટ સર્વિસના અધિકારીઓએ વિરોધ-પ્રદર્શન કરનારાઓને ચેતવણી આપી હતી કે આમ ફરી ન બનવું જોઈએ..
આ પણ વાંચો: સૅન ફ્રાન્સિસ્કોના દૂતાવાસમાં પણ તોડફોડ
ખાલિસ્તાની વિરોધ-પ્રદર્શન મામલે ભારતે કૅનેડિયન હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યા
ભારતે કૅનેડિયન હાઈ કમિશનર કૅમરોન મૅકેને સમન્સ બજાવ્યા હતા અને રિસન્ટલી કૅનેડામાં ભારતીય ડિપ્લોમૅટિક મિશન્સની વિરુદ્ધ ખાલિસ્તાની તરફી ઉગ્રવાદી તત્ત્વોની પ્રવૃત્તિ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
વિદેશ મંત્રાલય દ્વારા શનિવારે મૅકેને સમન્સ બજાવવામાં આવ્યું હતું અને તેમની પાસેથી ખુલાસો માગવામાં આવ્યો હતો કે કેવી રીતે ઉગ્રવાદી તત્ત્વોને પોલીસની હાજરી હોવા છતાં ઇન્ડિયન ડિપ્લોમૅટિક મિશન અને કૉન્સ્યુલેટ્સની સુરક્ષાને તોડવા દેવામાં આવ્યાં હતાં.
૧૯ માર્ચે કૅનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માને ખાલિસ્તાની સપોર્ટર્સના હિંસક વિરોધ-પ્રદર્શનના કારણે બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક ઇવેન્ટને કૅન્સલ કરવી પડી હતી.
દિલ્હીના પ્રગતિ મેદાનમાં ખાલિસ્તાની ઝંડો લહેરાવવાની ધમકી
ખાલિસ્તાની સપોર્ટર્સે દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારતીય ધ્વજના સ્થાને ખાલિસ્તાની ઝંડો લહેરાવવાની ધમકી આપી છે. એક વ્યક્તિની ફરિયાદના આધારે દિલ્હી પોલીસ દ્વારા એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ મુંબઈથી દિલ્હી ઍરપોર્ટ પર લૅન્ડ થતાં તેના ફોનમાં પહેલાંથી રેકૉર્ડ કરવામાં આવેલો એક મેસેજ આવ્યો હતો, જેમાં આ ધમકી આપવામાં આવી હતી. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ યુનિટ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ ઑડિયોમાં ખાલિસ્તાની સપોર્ટર્સે પ્રગતિ મેદાન પર કબજો કરી લેવાની અને ત્યાં ભારતીય ત્રિરંગાને ઉતારવાની ધમકી આપી હતી. આ ઑડિયોમાં પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વિશે અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા. નોંધપાત્ર છે કે ઑથોરિટીઝ સપ્ટેમ્બરમાં પ્રગતિ મેદાનમાં G20ની મીટિંગ યોજવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી રહી છે.

