ટૉરોન્ટોના બ્રૅમ્પ્ટન વિસ્તારમાં જોરદાર વિરોધ-પ્રદર્શન : હાથમાં તિરંગો અને ભગવા ઝંડા લઈને ઊમટ્યા : ‘જય શ્રીરામ’, ‘વંદે માતરમ્,’ ‘જય હિન્દ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લાગ્યા
બ્રૅમ્પ્ટનમાં આવેલા હિન્દુ સભા મંદિરની બહાર મોટી સંખ્યામાં ભેગા થયેલા ક્રોધિત હિન્દુઓ
રવિવારે કૅનેડાના ટૉરોન્ટો શહેરના બ્રૅમ્પ્ટન વિસ્તારમાં આવેલા હિન્દુ સભા મંદિરમાં ભારતીયો અને સિખો પર ખાલિસ્તાની સમર્થકોના હુમલા બાદ સોમવારે સાંજે આ મંદિરના પ્રાંગણમાં હજારો હિન્દુઓ હાથમાં ત્રિરંગો અને ભગવા ઝંડા લઈને ઊભા રહી ગયા હતા અને જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેમણે ‘જય શ્રીરામ’, ‘વંદે માતરમ્’, ‘જય હિન્દ’ અને ‘ભારત માતા કી જય’ના નારા ઉચ્ચાર્યા હતા અને ‘ખાલિસ્તાન મુર્દાબાદ’ જેવો સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. દેખાવકારોએ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારના વિરોધમાં પણ જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો.
દેખાવકારોનો રોષ જોયા બાદ પોલીસે આ વિસ્તારમાં માર્ચ કરી હતી. કૅનેડા પોલીસે દેખાવકારોને વિખેરાઈ જવાની તાકીદ કરી હતી, પણ તેઓ ટસના મસ નહોતા થયા અને ઊભા રહ્યા હતા અને પોલીસની કાર્યવાહીના વિરોધમાં પણ સૂત્રોચ્ચાર કર્યો હતો. રાત્રે પોલીસે દેખાવકારોને ધમકી આપી હતી કે તેઓ આ સ્થળ છોડી જાય અન્યથા તેમની ધરપકડ કરવામાં આવશે.
ADVERTISEMENT
બ્રૅમ્પ્ટનના કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર જેફ લાલે કહ્યું હતું કે આ વિરોધ-પ્રદર્શન હિન્દુ સમાજે આયોજિત કર્યું હતું અને એમાં કોઈ મંદિરનો સમાવેશ નહોતો. તેઓ ખુદ ભારત માતા મંદિરનું સંચાલન કરે છે અને તેઓ પણ વિરોધ-પ્રદર્શનમાં સામેલ થયા હતા. વિરોધ-પ્રદર્શનો માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ થવો જોઈએ નહીં એ બાબતે તેમણે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે હિન્દુઓ વિભાજિત નથી, પણ રાજકીય નેતાઓ તેમના ફાયદા માટે વિભાજન કરાવે છે.
પોલીસ-ઑફિસર સસ્પેન્ડ
કૅનેડા પોલીસના એક ઑફિસર હરિન્દર સોહીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તે સાર્જન્ટ હતો. ખાલિસ્તાનસમર્થકોએ જ્યારે હિન્દુ સભા મંદિર પર હુમલો કર્યો ત્યારે તે ખાલિસ્તાની ઝંડો લઈને ઊભો રહ્યો હતો.
ગુરુપતવંત સિંહ અહીં આવે
સિખ ફૉર જસ્ટિસના ગુરુપતવંત સિંહ પન્નુ સામે લોકોમાં ભારે રોષ છે. આ મુદ્દે જેફ લાલે કહ્યું હતું કે ‘પન્નુ ખુદ અમેરિકામાં બેસીને તેનો એજન્ડા અહીં ચલાવી રહ્યો છે. તે કહી રહ્યો છે કે હિન્દુઓ કૅનેડા છોડીને જતા રહે. જો તેને એટલી જ પડી હોય તો તે અહીં આવે અને વાત કરે. ટ્રુડો અને બીજા નેતાઓ ખાલિસ્તાની સમર્થકોના હિતૈષી છે.’