મે મહિનામાં અમેરિકાની એક કોર્ટે ૬૨ વર્ષના તહવ્વુર રાણાને ભારતને સોંપવા માટે મંજૂરી આપી હતી
ફાઇલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશને કૅલિફૉર્નિયાની કોર્ટને પાકિસ્તાની મૂળના કૅનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણા દ્વારા દાખલ કરાયેલી અરજીને નકારી કાઢવા વિનંતી કરી છે અને ફરી એ વાત પર ભાર મૂક્યો છે કે તેને ભારતને સોંપવામાં આવે. રાણા ૨૦૦૮ના મુંબઈ આતંકવાદી હુમલામાં તેની સંડોવણી માટે વૉન્ટેડ છે. યુએસ ઍડ્મિનિસ્ટ્રેશને રાણાની અટકાયતની કાયદેસરતાને પડકારતી તેની અરજીનો વિરોધ કર્યો છે.
મે મહિનામાં અમેરિકાની એક કોર્ટે ૬૨ વર્ષના તહવ્વુર રાણાને ભારતને સોંપવા માટે મંજૂરી આપી હતી. રાણા હાલમાં લૉસ ઍન્જલસના મૅટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં અટકાયતમાં છે.
૧૦ જૂન, ૨૦૨૦ના રોજ ભારતે રાણાની કસ્ટડી મેળવવા તેની વિરુદ્ધ તપાસ માટે કસ્ટડીની માગ કરી હતી. બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશને રાણા ભારતને સોંપવાની માગણીને સમર્થન અને મંજૂરી આપી હતી. કૅલિફૉર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ માટેની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી તેની અરજીમાં કૅલિફૉર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ માટે યુએસ ઍટર્ની ઇ માર્ટિન એસ્ટ્રાડાએ જણાવ્યું હતું કે ‘યુનાઇટેડ સ્ટેટ્સ આદરપૂર્વક વિનંતી કરે છે કે અદાલત રાણાની અરજીને નકારે.’
રાણાની અરજીનો વિરોધ કરતાં માગણીને જણાવ્યું કે અરજદાર એ દર્શાવવામાં અસમર્થ છે કે ભારતને સોંપવાની વિનંતીમાં સંભવિત કારણના પૂરતા પુરાવા નથી.
તહવ્વુર રાણા વિરુદ્વ ૨૬/૧૧ હુમલામાં ભારતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ હુમલાને આતંકી કૃત્ય જાહેર કરવામાં આવ્યું હતું. ભારત દ્વારા રાણાને સોંપવા માટે સતત કાયદાકીય અને અધિકારિક સ્તરના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમેરિકાની અદાલતને રાણાની અરજી નકારી કાઢવા બાઇડન પ્રશાસને જણાવ્યા બાદ ભારતને સોંપવા માટેના રસ્તાઓ ખૂલી રહ્યા છે.