ચીને ગઈ કાલે જૅપનીઝ વડા પ્રધાન ફુમિયો કિશિદાની યુક્રેનની સરપ્રાઇઝ વિઝિટ બદલ જપાનની આકરી ટીકા કરી હતી
રશિયાના મૉસ્કોમાં ગઈ કાલે ક્રેમલિનમાં ધ ગ્રૅન્ડ ક્રેમલિન પૅલેસના હૉલમાં પ્રવેશી રહેલા રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ. તસવીર એ.પી./પી.ટી.આઇ.
રશિયા અને યુક્રેનનું યુદ્ધ હવે આક્રમક તબક્કામાં પહોંચે એવા અણસાર વચ્ચે એનો અંત લાવવા માટેના પ્રયાસ શરૂ થઈ ગયા છે. ખાસ વાત એ છે કે દુશ્મન દેશો ગણાતા જપાન અને ચીન પણ આ પ્રયાસમાં જોડાઈ ગયાં છે. જોકે એના લીધે તેમના બંને વચ્ચેના તનાવમાં પણ વધારો થઈ શકે છે.
જપાનના વડા પ્રધાન ફુમિઓ કિશિદા કીવમાં છે, જ્યાં તેમણે યુક્રેનને મજબૂત સપોર્ટ જાહેર કર્યો છે અને સાથે જ યુક્રેનમાં ચારે બાજુ વિનાશ વેરાયો છે ત્યારે ફરીથી શહેર અને ગામડાં ઊભાં કરવા અને લોકોને સહાય પહોંચાડવા માટે તેમણે વાતચીત કરી હતી. નોંધપાત્ર છે કે કિશિદા આ પહેલાં ભારતની મુલાકાતે હતા, જ્યાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. નોંધપાત્ર છે કે દુનિયાના અનેક દેશો આ યુદ્ધનો અંત લાવવા માટે મોદી તરફ જ આશાભરી નજરે જોઈ રહ્યા છે. ભારત પછી યુક્રેનની કિશિદાની મુલાકાત મોદીની ભૂમિકા તરફ ઇશારો કરે છે.
ADVERTISEMENT
ચીન રશિયાની તરફેણમાં યુદ્ધવિરામ કરાવશે એવો ડર અમેરિકાએ આ પહેલાં વ્યક્ત કર્યો હતો. હવે ચીને ગઈ કાલે જૅપનીઝ વડા પ્રધાન ફુમિયો કિશિદાની યુક્રેનની સરપ્રાઇઝ વિઝિટ બદલ જપાનની આકરી ટીકા કરી હતી. ચીને કહ્યું હતું કે જપાને અત્યારની સ્થિતિમાં આગ લગાડવાના બદલે એને ઓલવવા વધુ પ્રયાસ કરવા જોઈએ. વાસ્તવમાં ચીનને ભારતની ઑફિશ્યલ મુલાકાત બાદ તરત યુક્રેનની કિશિદાની મુલાકાતથી આંચકો લાગ્યો છે.
બીજી બાજુ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ મૉસ્કોમાં છે. તેમણે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને એક ફ્રેન્ડ અને પાર્ટનર ગણાવ્યા છે.
જિનપિંગે ગઈ કાલે જણાવ્યું કે ચીન રશિયા સાથેના એના સંબંધોને પ્રાથમિકતા આપશે. પુતિન અને આ ચાઇનીઝ લીડરે યુક્રેનમાં યુદ્ધવિરામ માટેના ચીનના પ્રસ્તાવ પર કલાકો સુધી વાતચીત કરી હતી. એ પહેલાં સોમવારે પણ જિનપિંગ અને પુતિને લગભગ ચાર કલાક સુધી વાતચીત કરી હતી.
મૉસ્કોમાં આ ઘટનાક્રમ વચ્ચે કિશિદાની એના સમાંતર યુક્રેનની મુલાકાત નોંધપાત્ર છે. વળી, આ વિઝિટને સીક્રેટ રાખવામાં આવી હતી.
જિનપિંગે પુતિનને ચીન આવવાનું આમંત્રણ આપ્યું
જિનપિંગે રશિયન પીએમ મિખાઇલ મિશુસ્ટિન સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે ‘મેં પ્રેસિડન્ટ પુતિનને આ વર્ષે ચીનની મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે.’ રશિયા અને ચીને સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે બંને દેશોની સેના વચ્ચેનો સહકાર વધારાશે.