વડા પ્રધાને પાકિસ્તાનને સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરવા અને ચીનને સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા કહ્યું
જપાનના હિરોશિમામાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવામાં આવ્યા હતા (તસવીર : પી.ટી.આઇ.)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી G7 ગ્રુપની સમિટ તેમ જ ક્વાડની મીટિંગ માટે ગઈ કાલે જૅપનીઝ સિટી હિરોશિમા પહોંચ્યા હતા. અહીં તેઓ જુદા-જુદા પાવરફુલ દેશોના લીડર્સ સાથે વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટેના અભિપ્રાયની આપલે કરશે.
મોદી જપાન, પપુઆ ન્યુ ગિની અને ઑસ્ટ્રેલિયા મળીને ત્રણ દેશોની તેમની ટ્રિપના પહેલા તબક્કામાં હિરોશિમા આવ્યા હતા. તેઓ ૪૦થી વધુ મીટિંગમાં ભાગ લે એવી શક્યતા છે.
ADVERTISEMENT
અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ સમિટ અને દ્વિપક્ષીય મીટિંગમાં ૨૪થી વધુ વર્લ્ડ લીડર્સ સાથે વાતચીત કરશે.
મોદીએ આ પહેલાં કહ્યું હતું કે ‘ભારત આ વર્ષે G20નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે ત્યારે G7 સમિટમાં મારી હાજરીનું ખાસ મહત્ત્વ છે.’
જૅપનીઝ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન સાથે સામાન્ય અને પાડોશીવાળા સંબંધ ઇચ્છે છે. જોકે આતંકવાદથી મુક્ત એક અનુકૂળ માહોલ તૈયાર કરવાની અને આ સંબંધમાં પગલાં ભરવાની જવાબદારી પાકિસ્તાનની છે.
ભારતે સરહદ પાર આતંકવાદને પાકિસ્તાન દ્વારા આપવામાં આવતા સપોર્ટ બાબતે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે.
આ ઇન્ટરવ્યુમાં વડા પ્રધાને ચીન સાથેના સંબંધો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘ભારત સંપૂર્ણપણે સજ્જ છે અને એના સાર્વભૌમત્વ અને ગરિમાનું રક્ષણ કરવા માટે કમિટેડ છે.’
પીએમ મોદીએ કહ્યું કે ‘ચીન સાથે સામાન્ય દ્વિપક્ષીય સંબંધો માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જરૂરી છે. ભારત-ચીન વચ્ચેના સંબંધો ભવિષ્યમાં વિકાસ પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતો પર જ નિર્ભર હોઈ શકે.’