સુનામી અલર્ટ ઇશ્યુ કરવામાં આવી, હજારો ઘરોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો, ફ્લાઇટ અને રેલ સર્વિસ પણ ખોરવાઈ ગઈ
જપાનના ઇશિકાવાના વજિમામાં ગઈ કાલે ભૂકંપ બાદ નુકસાનગ્રસ્ત બિલ્ડિંગ્સ.
ટોક્યો (એ.પી.) : નવા વર્ષનો પહેલો દિવસ જપાનવાસીઓ માટે ડર લાવ્યો હતો. જપાનના પશ્ચિમ કાંઠે ગઈ કાલે ભૂકંપના પાવરફુલ આંચકાઓની સિરીઝ બાદ સુનામી અલર્ટ ઇશ્યુ કરવામાં આવી હતી અને સાથે જ લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી જતા રહેવા જણાવવામાં આવ્યું હતું. હજારો ઘરોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં ફ્લાઇટ અને રેલ સર્વિસિસ ખોરવાઈ ગઈ હતી. લગભગ ૯૦ મિનિટમાં ચાર કે એનાથી વધુ તીવ્રતાવાળા ૨૧ આંચકા આવ્યા હતા, જેમાંથી સૌથી પાવરફુલ ૭.૬ની તીવ્રતાનો આંચકો હતો.
જપાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઇશિકાવાના કાંઠે ભૂકંપના આંચકા આવ્યા હતા. હવામાન વિભાગે ઇશિકાવા માટે સુનામીની ભારે ચેતવણી ઇશ્યુ કરી હતી. એ સિવાય જપાનના મુખ્ય આઇલૅન્ડ હોનશુના પશ્ચિમ કાંઠાના બાકી વિસ્તારો માટે સુનામીની સામાન્ય ચેતવણી આપવામાં આવી હતી. જપાનમાં ભૂકંપના પગલે રશિયન સિટીઝ વ્લાદિવોસ્તોક અને નખોદકા તેમ જ ઉત્તર કોરિયાએ પણ સુનામીની વૉર્નિંગ આપી હતી.
જપાનની સરકારી ચૅનલ એનએચકે ટીવી પર ઑથોરિટીઝ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જળસ્તરમાં પાંચ મીટર જેટલો વધારો થઈ શકે છે. લોકોને શક્ય એટલા ઝડપથી ઊંચાણવાળા વિસ્તારો કે નજીકનાં બિલ્ડિંગના ટૉપ પર જતા રહેવા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
જપાનમાં ભૂકંપના આંચકાઓને લીધે વ્યાપક નુકસાન થયું છે. જૅપનીઝ ન્યુઝ ફુટેજમાં વજિમા સિટીના એક એરિયામાં કાટમાળમાંથી ધુમાડો જોવા મળ્યો હતો. સ્થાનિક સરકાર અનુસાર અહીં મોટા પાયે આગ પણ ફાટી નીકળી છે.ઇશિકાવામાં ભૂકંપ બાદ ઓછામાં ઓછા છ લોકો બિલ્ડિંગ્સના કાટમાળ નીચે ફસાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં અનેક મકાનો ધ્વસ્ત થયાં છે.
અસરગ્રસ્ત વિસ્તારમાં બુલેટ ટ્રેન્સને અટકાવી દેવામાં આવી હતી. હાઇવેના અમુક ભાગ બંધ થઈ ગયા છે. પાણીની પાઇપ્સ પણ તૂટી ગઈ છે. ઇશિકાવા, નિગાટા, ટોયામા અને યામાગાટા એરિયામાં સુનામીની વૉર્નિંગ આપવામાં આવી છે.
જપાનની ઍરલાઇન એએનએએ ભૂકંપ બાદ ટોયોમા અને ઇશિકાવા ઍરપોર્ટ પર જનારી ચાર ફ્લાઇટ્સને અધવચ્ચેથી જ રિટર્ન મોકલી હતી.
ન્યુક્લિયર પ્લાન્ટ્સને કેટલો ખતરો?
જૅપનીઝ સરકારના પ્રવક્તા યોશિમાસા હાયાશીએ મીડિયાને જણાવ્યું હતું કે ‘અસરગ્રસ્ત વિસ્તારમાં ન્યુક્લિયર પ્લાન્ટ્સમાં કોઈ પ્રૉબ્લેમ જણાયો નથી. જોકે કાંઠા વિસ્તારોના લોકો સુરક્ષિત સ્થળે જતા રહે એ જરૂરી છે.
જપાનના ઇશિકાવાના વજિમામાં ગઈ કાલે ભૂકંપ બાદ આગ લાગી હતી.