રશિયાથી ઑસ્ટ્રિયા પહોંચેલા મોદીએ સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સમાં પુનરુચ્ચાર કર્યો હતો કે વિશ્વમાં યુદ્ધને કોઈ સ્થાન નથી
વિયેનામાં નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લેતા ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમર (ડાબે) મંગળવારે વિયેનામાં ઑસ્ટ્રિયાના ભારતીય સમુદાય સાથે નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઑસ્ટ્રિયાની પ્રથમ વાર મુલાકાત લીધી હતી અને એના ચાન્સેલર કાર્લ નેહમર સાથે યુક્રેનના યુદ્ધ અને ભારત-ઑસ્ટ્રિયાના વ્યૂહાત્મક સંબંધો વિશે વાતચીત કરી હતી.
રશિયાથી ઑસ્ટ્રિયા પહોંચેલા મોદીએ સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સમાં પુનરુચ્ચાર કર્યો હતો કે વિશ્વમાં યુદ્ધને કોઈ સ્થાન નથી. તેમણે ઑસ્ટ્રિયા સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રિન્યુએબલ એનર્જી, હાઇડ્રોજન, વૉટર ઍન્ડ વેસ્ટ મૅનેજમેન્ટ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે સંબંધો મજબૂત કરવા ચર્ચા કરી હતી.
ADVERTISEMENT
ઑસ્ટ્રિયા મુલાકાત વિશે બોલતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ‘મારા ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં મને ઑસ્ટ્રિયા આવવાની તક મળી એ મારા માટે ગૌરવની વાત છે. ૪૧ વર્ષ બાદ પહેલી વાર ભારતીય વડા પ્રધાન આ દેશમાં પહોંચ્યા છે. મેં કાર્લ નેહમર સાથે અમારા સંબંધોને વધુ મજબૂત બનાવવા વિશે ચર્ચા કરી. અમે એકબીજાની ક્ષમતાઓને જોડવા માટે કામ કરીએ છીએ.’
આ પ્રસંગે કાર્લ નેહમરે કહ્યું હતું કે ‘મારા માટે એ મહત્ત્વપૂર્ણ છે કે ભારત બ્રિક્સ (BRICS- બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા)ના સ્થાપક સભ્ય તરીકે સ્વિસ પીસ સમિટમાં ભાગ લે છે. ભારત એક મહત્ત્વપૂર્ણ, પ્રભાવશાળી અને ક્રેડિટપાત્ર દેશ છે. અમે યુક્રેન યુદ્ધ અને બીજી મહત્ત્વની બાબતો પર ચર્ચા કરી હતી.’