સમગ્ર દેશમાં અભૂતપૂર્વ વિરોધ-પ્રદર્શન બાદ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોમવારે રાત્રે કરી ઘોષણા
તેલ અવિવમાં સરકાર વિરોધી પ્રદર્શનકારીઓને હટાવવા માટે ચલાવવામાં આવી રહેલો વૉટર કેનનો મારો.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા જુડિશયલ સિસ્ટમમાં સુધારા લાવવાના પ્રસ્તાવને હાલપૂરતો રોકી દીધો હતો. તેમ જ વિરોધીઓ સાથે વાતચીત શરૂ કરી હતી. સુધારણા સામે છેલ્લા ત્રણ મહિનાથી વિરોધ થઈ રહ્યો હતો, પરંતુ રવિવારે રાત્રે આ વિરોધ અભૂતપૂર્વ હતો; જેને જોતાં સોમવારે રાત્રે ખુદ વડા પ્રધાને આ કાયદાને એક મહિના પૂરતો રોકી દેવાની વાત કરી હતી. એ પહેલાં તેમણે રવિવારે સંરક્ષણપ્રધાનને બરતરફ કરી દેતાં લોકોનો આક્રોશ વધી ગયો હતો. આખું ઇઝરાયલ જાણે ગૃહયુદ્ધમાં ફેરવાઈ જાય એવી સ્થિતિ હતી. ભારત સહિત ઘણા દેશોમાં ઇઝરાયલના દૂતાવાસોએ પણ આ કાયદાની વિરોધમાં પોતાનો મત પ્રગટ કરતાં કામકાજથી અળગા રહ્યા હતા. નેતન્યાહુ જમણેરી સરકારનું નેતૃત્વ કરે છે. તેમના સાથીઓએ આ કાયદો લાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. સોમવારે રાત્રે વડા પ્રધાને કરેલી જાહેરાત બાદ ઘણાં લેબર યુનિયન દ્વારા આપવામાં આવેલું હડતાળનું એલાન પાછું ખેંચવામાં આવ્યું હતું.

