હમાસના ચીફ અને હિઝબુલ્લાના કમાન્ડરનો ઍર-સ્ટ્રાઇકમાં ખાતમો, હમાસ અને ઈરાને બદલો લેવાની ધમકી આપી, અમેરિકા ઇઝરાયલના પડખે
મંગળવારે ઈરાનના નવા પ્રેસિડન્ટ મસૂદ પેઝેશ્કિયાનની શપથવિધિમાં હમાસનો ચીફ ઇસ્માઇલ હાનિયા.
ઇઝરાયલની સેનાએ ૨૪ કલાકની અંદર એના બે દુશ્મનોનો સફાયો કરી દીધા બાદ મિડલ ઈસ્ટ ક્ષેત્રમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ઇઝરાયલી સેનાએ મંગળવારે લેબૅનનના બૈરુતમાં કરેલી ઍર-સ્ટ્રાઇકમાં હિઝબુલ્લાના કમાન્ડર ફુઆદ શુકરનું મૃત્યુ થયું હતું. એના ગણતરીના કલાકોમાં ગઈ કાલે ઈરાનની રાજધાની તેહરાનમાં કરેલી સ્ટ્રાઇકમાં હમાસના ચીફ ઇસ્માઇલ હાનિયાનું મૃત્યુ થયું હતું. ઇસ્માઇલ હાનિયા ઈરાનના નવા પ્રેસિડન્ટ મસૂદ પેઝેશ્કિયાનની શપથવિધિ માટે તેહરાન ગયો હતો.
ઈરાનની ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સે ઇસ્માઇલ હાનિયાના મૃત્યુની પુષ્ટિ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર મધરાતે બે વાગ્યે (ભારતીય સમય મુજબ સવારે ચાર વાગ્યે) તેહરાનમાં હાનિયાના ઘરને નિશાન બનાવીને અટૅક કરવામાં આવ્યો હતો, જેમાં ઇસ્માઇલ હાનિયા અને તેના બૉડીગાર્ડનું મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT
હમાસે હાનિયાના મૃત્યુ પર શોક વ્યક્ત કરીને એનો બદલો લેવાની વાત કરી છે. ઈરાનના સુપ્રીમ લીડર આયોતલ્લા અલી ખામેનીએ પણ જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે. આ ઘટના બાદ ઈરાનમાં સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલની તાકીદની બેઠક આયોતલ્લા અલી ખામેનીના ઘરે બોલાવવામાં આવી હતી. કોઈ મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરવા માટે જ આ પ્રકારની બેઠક બોલાવવામાં આવે છે.
ઇસ્માઇલ હાનિયા ઈરાનના નવા પ્રેસિડન્ટ મસૂદ પેઝેશ્કિયાનની શપથવિધિ સમારોહમાં ભાગ લેવા તેહરાન આવ્યો હતો. મસૂદ પેઝેશ્કિયાને કહ્યું હતું કે ‘ઈરાન એની ક્ષેત્રીય અખંડતા, ગરિમા, સન્માન અને ગૌરવની રક્ષા કરશે. અમે વચન આપીએ છીએ કે આ હુમલો કરનારા એમના આ કામ માટે પસ્તાવો કરવા મજબૂર બનશે. ગઈ કાલે તેઓ મારા શપથવિધિ સમારોહમાં હાજર હતા ત્યારે મેં તેમનો હાથ ઉઠાવ્યો હતો. હવે મારે તેમના જનાજાને કાંધ આપવી પડશે. આ અમે ભૂલીશું નહીં.’
કોણ હતો ઇસ્માઇલ હાનિયા?
૬૨ વર્ષનો ઇસ્માઇલ હાનિયા ગાઝા શહેરના રેફ્યુજી કૅમ્પમાં જન્મ્યો હતો. ૧૯૮૦માં એ હમાસમાં જોડાયો હતો અને ખૂબ ઝડપથી તે હમાસના સ્થાપક અને આધ્યાત્મિક નેતા શેખ અહમદ યાસીનનો વિશ્વાસુ બની ગયો હતો. ૧૯૮૦ અને ૧૯૯૦માં હાનિયાને અનેક કેસમાં ઇઝરાયલની જેલમાં સજા કાપવી પડી હતી. ૨૦૦૬માં હમાસની જીત બાદ પૅલેસ્ટીન સરકારનો તે વડા પ્રધાન બન્યો હતો. જોકે ૨૦૦૭માં પ્રેસિડન્ટ મહમૂદ અબ્બાસે તેને ડિસમિસ કર્યો હતો. ૧૦ વર્ષ બાદ ૨૦૧૭માં તે હમાસના રાજકીય પાંખનો ચીફ ચૂંટાઈ આવ્યો હતો. અમેરિકાએ એ જ વર્ષે તેને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો હતો. ૨૦૧૯માં તેણે ગાઝા સ્ટ્રિપ છોડીને કતરમાં રાજ્યાશ્રય લીધો હતો. આ વર્ષે એપ્રિલ મહિનામાં ઇઝરાયલે કરેલા હુમલામાં તેના ત્રણ પુત્રો અને ચાર પ્રપૌત્રોનાં મૃત્યુ થયાં હતાં.
કોણ હતો ફુઆદ શુકર?
૬૨ વર્ષનો ફુઆદ શુકર સાઉથ લેબૅનનમાં હિઝબુલ્લાનો લીડર હતો. તેણે શનિવારે ઇઝરાયલના કબજા હેઠળના ગોલન હાઇટ્સ પર હુમલો કર્યો હતો, જેમાં ૧૨ બાળકોનાં મૃત્યુ થયાં હતાં. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇઝરાયલી ઍર ફોર્સ ફાઇટર જેટ્સે હિઝબુલ્લા આતંકવાદી સંગઠનના સિનિયર મિલિટરી કમાન્ડર ફુઆદ શુકરને ઉડાવી દીધો છે. જો ઇઝરાયલનો દાવો સાચો હોય તો હિઝબુલ્લાનો આ બીજો નેતા છે જેને ઇઝરાયલે ઉડાવ્યો છે. ૨૦૧૬માં ઇઝરાયલે હિઝબુલ્લાના સિનિયર કમાન્ડર મુસ્તફા બદરેદીનને સિરિયાની રાજધાની દમાસ્કસમાં કરેલા હુમલામાં ઉડાવ્યો હતો.