Israel-Hamas war: ફ્યુલનો સપ્લાય બંધ થવાને કારણે મશીનો અને મેડિકલ ઈક્વિપમેન્ટ ચાલી રહ્યાં નથી, જેના કારણે દર્દીઓના મોત થઈ રહ્યાં છે. જેમાં નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે.
નવજાત શિશુની પ્રતિકાત્મક તસવીર
આજે ૧૪ નવેમ્બરના રોજ ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન સંગઠન હમાસ વચ્ચેના યુદ્ધ (Israel-Hamas war)નો ૩૮મો દિવસ છે. 7 ઓક્ટોબરે હમાસે ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલ તરફ 5,000થી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા. હમાસના લડવૈયાઓએ ટનલ મારફતે ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી હતી અને 1400 લોકોની હત્યા કરી હતી. ત્યારથી ઇઝરાયેલ ગાઝા પટ્ટી પર હમાસ સામે સર્વત્ર યુદ્ધ ચલાવી રહ્યું છે. ઈઝરાયેલે ગાઝામાં હોસ્પિટલોને પણ નિશાન બનાવવાનું ચાલુ જ રાખ્યું છે. સોમવારે ઇઝરાયેલની સેનાની ટેન્ક ગાઝાની મુખ્ય હોસ્પિટલના ગેટ પર પહોંચી ગઈ હતી. યુદ્ધ (Israel-Hamas war)ની વચ્ચે ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ફ્યુલની અછતને કારણે મોટું સંકટ સર્જાયું છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર ફ્યુલનો સપ્લાય બંધ થવાને કારણે મશીનો અને મેડિકલ ઈક્વિપમેન્ટ ચાલી રહ્યાં નથી, જેના કારણે દર્દીઓના મોત થઈ રહ્યાં છે. જેમાં નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, નવજાત શિશુઓને ઇન્ક્યુબેટરમાં એકબીજાની નજીક રાખવામાં આવે છે, જેથી માનવીય ગરમી દ્વારા તેમને યોગ્ય તાપમાન આપી શકાય. ડૉક્ટરના જણાવ્યા અનુસાર 39 બાળકોને એક બેડ પર સુવડાવવામાં આવ્યા છે. જેથી એકબીજાના શરીરના તાપમાન થકી તે લોકોને બચાવી શકાય.
ADVERTISEMENT
ઈઝરાયેલના આંકડાઓ અનુસાર 7 ઑક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 12,000 લોકો માર્યા ગયા (Israel-Hamas war) છે. હમાસે 240 લોકોને બંધક બનાવીને ગાઝાની સુરંગોમાં છૂપાવી દીધા છે. આ યુદ્ધમાં અડધાથી વધુ ગાઝાના લોકો બેઘર થઈ ગયા છે. ઈઝરાયેલે ઉત્તર ગાઝાના અડધા ભાગને સંપૂર્ણ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ગાઝાના તબીબી અધિકારીઓ કહે છે કે લડાઈમાં 11,000થી વધુ લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જેમાંથી લગભગ 40% બાળકો છે.
યુદ્ધ (Israel-Hamas war) વચ્ચે અલ શિફા હોસ્પિટલના બાળરોગ વિભાગની હાલત તો ખૂબ જ ખરાબ હોવાની માહિતી સામે આવી છે. અહીં નવજાત શિશુઓ એકબીજાની બાજુમાં પડેલા જોવા મળી રહ્યાં છે. આમાંના કેટલાક બાળકોને લીલા કપડામાં વીંટાળવામાં આવે છે, હૂંફ માટે તેમની આસપાસ ટેપથી તેમની આસપાસ જાડા કપડાને વીંટાળવામાં આવ્યા છે. બાકીના બાળકોને માત્ર નેપી પહેરીને રાખવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દરેક પસાર થતી મિનિટે આ બાળકોના જીવ પર ખતરો વધી રહ્યો છે.
ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં નવજાત બાળકોને ફરજિયાત ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ હોસ્પિટલ ઈઝરાયેલની ટેન્કથી ઘેરાયેલી છે. વીજળી, પાણી, ખોરાક, દવાઓ અને તબીબી ઉપકરણોની અછત છે.
મૃત્યુ માટે હમાસ જવાબદાર
ગાઝામાં નાગરિકો પર હુમલા રોકવા માટે ફ્રેન્ચ રાષ્ટ્રપતિની અપીલના જવાબમાં ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) એ કહ્યું હતું કે આ મૃત્યુ માટે ઇઝરાયેલ નહીં, હમાસ જવાબદાર છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ ગાઝામાં નાગરિકોને નુકસાન ન પહોંચે તે માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે, જ્યારે હમાસ તેમને સુરક્ષિત વિસ્તારોમાં જતા અટકાવી રહ્યું છે.