ચીનના વિદેશપ્રધાન પાકિસ્તાનમાંથી રવાના થતાં જ ભૂતપૂર્વ પીએમની વિરુદ્ધ ઍક્શનની શરૂઆત થઈ, પાકિસ્તાન હજી હિંસાના હવાલે, ચોતરફ આગ-તોડફોડ
પાકિસ્તાનના પેશાવરમાં ગઈ કાલે રેડિયો પાકિસ્તાનના કમ્પાઉન્ડમાં તોડફોડ કરી રહેલા ઇમરાનના સપોર્ટર્સ.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ હજી પાકિસ્તાન ભડકે બળી રહ્યું છે. અનેક જગ્યાએ હિંસા, તોફાનો, આગચંપી અને અથડામણનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. ઇમરાનના સપોર્ટર્સ પોલીસ પર પેટ્રોલ બૉમ્બ અને પથ્થરો ફેંકી રહ્યા છે. તેઓ સરકારી ઑફિસોમાં તોડફોડ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સર્વિસ બંધ છે. પોલીસ સ્થિતિને કન્ટ્રોલ કરી શકતી ન હોવાથી ખૈબર પખ્તુનખ્વા, પંજાબ અને બલુચિસ્તાનમાં આર્મીને બોલાવવામાં આવી હતી.
ઇમરાનની ધરપકડને લઈને પાકિસ્તાનમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીં ઓચિંતી થયેલી અંધાધૂંધીમાં ચીનનો હાથ છે. તાજેતરમાં જ ચીનના વિદેશપ્રધાન અને સંરક્ષણપ્રધાને પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.
ADVERTISEMENT
ઇસ્લામાબાદમાં ગઈ કાલે ઇમરાન ખાનના સપોર્ટર્સને વિખેરવા માટે પોલીસને ટિયર ગૅસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
ચીનના વિદેશપ્રધાન ચિન ગાંગ બે દિવસ પહેલાં જ પાકિસ્તાનમાં હતા, જેના પહેલાં પાકિસ્તાનની આર્મીના વડા અસીમ મુનીર પણ ચીનના પ્રવાસે હતા. ચીનના વિદેશપ્રધાને ઇસ્લામાબાદમાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેને લઈને વિવાદ સર્જાયો છે. ચિન ગાંગે કહ્યું હતું કે ‘સ્થિરતા જ વિકાસનો આધાર છે. એક પાડોશી અને મિત્ર તરીકે અમે પ્રામાણિકતાથી આશા રાખીએ છીએ કે પાકિસ્તાનમાં રાજકીય તાકાતો સ્થિરતા જાળવશે. સાથે જ વધારે અસરકારક રીતે ઘરેલુ અને બાહ્ય પડકારોનો સામનો કરવામાં આવશે.’
ચીનના વિદેશપ્રધાન પાકિસ્તાનમાંથી રવાના થતાં જ પાકિસ્તાનમાં ઇમરાનની વિરુદ્ધ ઍક્શનની શરૂઆત થઈ હતી.
છેલ્લા કેટલાક સમયથી ઇમરાન અમેરિકા સાથેના પોતાના સંબંધો મજબૂત કરી રહ્યા છે ત્યાં જ શાહબાઝ શરીફ સરકાર ચીનની સાથે ફ્રેન્ડશિપને મજબૂત કરી રહી છે. ઇમરાનના સાથી ફવાદ ચૌધરીએ રિસન્ટલી અમેરિકન રાજદૂતની સાથે મુલાકાત કરી હતી. ચાઇના-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડોરમાં ઇમરાન અડચણરૂપ હોવાનું ચીનને લાગે છે.