લેબૅનનની રાજધાનીમાં કરેલી ઍર-સ્ટ્રાઇકમાં સૈયદ હસન નસરુલ્લાહનો થયો ખાતમો
હિઝબુલ્લા, નેતન્યાહુ
લેબૅનનની રાજધાનીમાં કરેલી ઍર-સ્ટ્રાઇકમાં સૈયદ હસન નસરુલ્લાહનો થયો ખાતમોઃ થોડા સમય પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભારતમાં હિન્દુઓની ખિલાફ ઍક્શન લેવાનું કહેનારા ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનીને આ અટૅક બાદ સલામત સ્થળે ખસેડવા પડ્યા
ઇઝરાયલે શુક્રવારે લેબૅનનની રાજધાની બૈરુત શહેરમાં કરેલી ઍર-સ્ટ્રાઇકમાં હિઝબુલ્લાના ચીફ સૈયદ હસન નસરુલ્લાહને મારી નાખતાં ઈરાનમાં ભારે દહેશતનું વાતાવરણ સર્જાયું છે એથી ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઇઝરાયલને આશંકા છે કે હિઝબુલ્લા અને ઈરાન એના અન્ય સહયોગીઓ સાથે નિકટ સંપર્કમાં છે અને ઇઝરાયલ વિરોધી રણનીતિ ઘડી રહ્યું છે. ખામેનીએ ઇઝરાયલની ક્રૂરતાની નિંદા કરીને કહ્યું હતું કે ઈરાન લેબૅનન સાથે ઊભું છે અને એણે મુસ્લિમ દેશોને ઇઝરાયલના વિરોધમાં એક થવાની અપીલ કરી હતી.
ADVERTISEMENT
આ પહેલાં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે હમાસના પ્રમુખ ઇસ્માઇલ હાનિયાનો પણ ખાતમો કર્યો હતો. ઈરાનને ડર છે કે ફરી ઇઝરાયલ આવું પગલું ઉઠાવે નહીં એથી ખામેનીને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે.
હિઝબુલ્લાના ચીફના મોત બાદ લેબૅનનના વડા પ્રધાન નજીબ મિકાતીએ ભવિષ્યની રણનીતિ ઘડી કાઢવા માટે ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. નસરુલ્લાના મોત બાદ ઈરાને મુસ્લિમ દેશોની બેઠક બોલાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે જેથી આ સંકટનો ઉકેલ કાઢી શકાય.
શું થયું શુક્રવારે?
ઇઝરાયલે શુક્રવારે લેબૅનનના બૈરુત શહેર પર જોરદાર ઍર-સ્ટ્રાઇક કરી હતી અને હિઝબુલ્લાના ઠેકાણાંઓને ટાર્ગેટ કર્યાં હતાં. બૈરુતના ઉપનગર દાહિયેહમાં હિઝબુલ્લાના મુખ્યાલયના અન્ડરગ્રાઉન્ડમાં હસન નસરુલ્લાહ છુપાયો હતો. આ બિલ્ડિંગ પર કરાયેલી સ્ટ્રાઇકમાં અલી કારાકી નામનો બીજો હિઝબુલ્લાનો નેતા પણ ઠાર થયો હતો. આ ઍર-સ્ટ્રાઇક એટલી શક્તિશાળી હતી કે એનાથી ૨૦ મીટર ઊંડો (આશરે ૬૫ ફુટ) ખાડો પડ્યો હતો. અન્ય એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ઍર-સ્ટ્રાઇકમાં હસન નસરુલ્લાહની દીકરી ઝૈનબ નસરુલ્લાહનું પણ મૃત્યુ થયું હતું.
૩૨ વર્ષથી હતો હિઝબુલ્લાનો ચીફ
સૈયદ હસન નસરુલ્લાહ ૩૨ વર્ષથી હિઝબુલ્લાનો ચીફ હતો. તેના મૃત્યુથી હિઝબુલ્લાને મોટો ફટકો પડ્યો છે. તેની સંસ્થાને ઈરાનનું પૂર્ણ સમર્થન હતું. હિઝબુલ્લાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગાઝા અને પેલેસ્ટીનના સપોર્ટ માટે અમારી લડત ચાલુ રહેશે.
નેતન્યાહુએ શું કહ્યું?
ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ આ સંઘર્ષને આવશ્યક ગણાવીને કહ્યું હતું કે હિઝબુલ્લા અને એના સમર્થકોને ખતમ કરવા જરૂરી છે. ઇઝરાયલ એની સુરક્ષા બાબતે કોઈ સમાધાન નહીં કરે. હિઝબુલ્લા જ્યાં સુધી ખતમ નહીં થાય ત્યાં સુધી એના વિરોધમાં જંગ જારી રહેશે.