અંતરીક્ષમાં ૩૨૨ દિવસ વિતાવનારાં ભારતીય મૂળનાં આ અમેરિકન અૅસ્ટ્રોનૉટ આજે પાછાં ઇન્ટરનૅશનલ સ્પેસ-સ્ટેશનની એક અઠવાડિયાની સફર પર નીકળી રહ્યાં છે
૫૮ વર્ષનાં સુનીતા વિલિયમ્સ અને ૬૧ વર્ષના બૅરી યુજિન બૂચ વિલ્મર
અમેરિકાની સ્પેસ-સંસ્થા નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA)ના બે અનુભવી અંતરીક્ષયાત્રીઓ ભારતીય મૂળનાં ૫૮ વર્ષનાં સુનીતા વિલિયમ્સ અને ૬૧ વર્ષના બૅરી યુજિન બૂચ વિલ્મર બોઇંગના નવાનક્કોર સ્ટારલાઇનર અંતરીક્ષયાનમાં બેસીને આજે સવારે અંતરીક્ષમાં જવા રવાના થશે. બન્ને અંતરીક્ષયાત્રીઓ સ્પેસ-સ્ટેશનમાં આશરે એક અઠવાડિયું વિતાવીને પાછાં ફરશે. અમેરિકાના દક્ષિણ વિસ્તારમાં તેઓ પૅરૅશૂટ અને ઍરબૅગથી અસિસ્ટેડ લૅન્ડિંગ કરશે. ત્રીજી વાર અંતરીક્ષમાં જતી વખતે સુનીતા વિલિયમ્સને જોકે થોડો ડર લાગી રહ્યો છે. વળી તેઓ એકદમ નવાનક્કોર સ્પેસ-ક્રાફ્ટમાં જઈ રહ્યાં છે.
સુનીતા સાથે શું લઈ જશે?
આ વખતે સુનીતા વિલિયમ્સ તેમની સાથે ગણેશ ભગવાનની મૂર્તિ લઈને જવાનાં છે. તેમનું માનવું છે કે ગણેશ ભગવાન તેના માટે લકી છે. સુનીતા ધાર્મિક કરતાં વધારે આધ્યાત્મિક છે અને અંતરીક્ષની સફરમાં ગણેશજી સાથે હશે એનાથી તે ખૂબ ખુશ છે. આ પહેલાંના અંતરીક્ષ-પ્રવાસમાં તે પોતાની સાથે ભગવદ્ગીતા લઈ ગયાં હતાં. સ્પેસ-સ્ટેશનમાં તેમને સમોસા ખાવાનું બહુ ગમે છે. સ્પેસ-સ્ટેશનમાં તેમને મૅરથૉન રનિંગ પણ ખૂબ ગમે છે અને તેમણે સ્પેસ-સ્ટેશનમાં રહીને મૅરથૉનમાં ભાગ પણ લીધો હતો.
ADVERTISEMENT
૩૨૨ દિવસ અંતરીક્ષમાં રહ્યાં છે સુનીતા
સુનીતા વિલિયમ્સ ૨૦૦૬ અને ૨૦૧૨ એમ બે વાર અંતરીક્ષમાં જઈ આવ્યાં છે અને તેમણે અંતરીક્ષમાં ૩૨૨ દિવસો ગાળ્યા છે જે એક રેકૉર્ડ છે. તેમણે સાત વખત સ્પેસવૉક કર્યું છે અને સ્પેસવૉકમાં ૫૦ કલાક અને ૪૦ મિનિટ વિતાવી છે. જોકે એ પછી પેગી વ્હિટ્સને ૧૦ વાર સ્પેસવૉક કરીને સુનીતાનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો.
કોણ છે સુનીતા વિલિયમ્સ
ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના વતની અને વ્યવસાયે ન્યુરોઍનાટોનિસ્ટ ડૉ. દીપક પંડ્યા વર્ષો પહેલાં અમેરિકા ગયા હતા અને સ્લોવેનિયાની બોની સાથે પરણ્યા હતા. સુનીતાનો જન્મ ૧૯૬૫ની ૧૯ સપ્ટેમ્બરે ઓહાયો રાજ્યના યુક્લિડમાં થયો હતો અને તેમણે ૧૯૮૭માં અમેરિકાની નૌસેના ઍકૅડેમીમાંથી ફિઝિકલ સાયન્સમાં બૅચલર્સની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ તેમણે એન્જિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી લીધી હતી અને પછી NASAમાં જોડાયાં હતાં. સુનીતાએ ૩૦થી વધારે વિમાનોમાં ૩૦૦૦ કલાકના ઉડ્ડયનની ટ્રેઇનિંગ લીધી હતી. ૧૯૯૮માં તેમને ઍસ્ટ્રોનૉટ તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં.
સુનીતાને મળ્યાં અનેક સન્માન
ભારત સરકારે ૨૦૦૮માં સુનીતા વિલિયમ્સને પદ્મભૂષણથી સન્માનિત કર્યાં હતાં અને રશિયન સરકારે મેડલ ઑફ મેરિટ ઇન સ્પેસ એક્સ્પ્લોરેશન આપ્યો હતો. સ્લોવેનિયાની સરકારે તેમને ગોલ્ડન ઑર્ડર ઑફ મેરિટથી સન્માનિત કર્યાં હતાં.