રશિયામાં યોજાઈ વિક્ટરી-ડે પરેડ : ભારતીય સૈનિકોએ બતાવ્યું પરાક્રમ
કદમ કદમ બઢાયેં જા : મોસ્કોમાં સોવિયેત રશિયાના બીજા વિશ્વયુદ્ધના વિજયની ઉજવણીરૂપે યોજાયેલી વિક્ટરી ડૅ પરેડમાં ભારતના સૈનિકોએ પણ ગર્વભેર ભાગ લીધો હતો. તસવીર : પી.ટીઆઈ.
રશિયાની રાજધાની મૉસ્કોમાં ૭૫મી વિક્ટરી ડે પરેડનું આયોજન કરાયું છે. આ પરેડ દ્વારા રશિયાએ દુનિયાને પોતાની સૈન્ય તાકાત દેખાડી. રશિયાની આ વિક્ટ્રી પરેડનું મહત્ત્વ આ વખતે એટલા માટે વધી ગયું કારણ કે ગલવાનમાં ભારતનું પરાક્રમ જોયા બાદ ચીન અને હિન્દુસ્તાન બન્ને દેશોના રક્ષામંત્રી તથા બન્ને દેશોની સેનાઓની ટુકડી આ પરેડમાં સામેલ થયા હતા. આ પરેડમાં ભારતની સૈન્ય ટુકડી પણ સામેલ થઈ જેણે વિદેશી જમીન પર ભારતીય તિરંગા સાથે માર્ચ પોસ્ટ કરી.
આ પરેડ માટે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના ૧૦૫ જવાનો સામેલ થયા હતા જ્યારે ભારતે મૉસ્કોની પરેડ માટે ત્રણેય સેનાના ૭૫ સૈનિકોની ટુકડીને મોકલી હતી. જેનું નેતૃત્વ એક કર્નલ રેન્કના અધિકારીએ કર્યું. ગલવાનમાં ચીનને પાઠ ભણાવ્યા બાદ આજે ભારતીય સેનાની ટુકડીનો જોશ પણ બમણો જોવા મળ્યો.
ADVERTISEMENT
પુતિન ભારતના પ્રવાસે આવશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંત સુધીમાં ભારતના પ્રવાસે આવે એવી ધારણા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત આવવા માટે આપેલા આમંત્રણનો પુતિને સ્વીકાર કર્યો છે. હાલ મૉસ્કો ગયેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીના આમંત્રણને માન આપીને પુતિન આ વર્ષના અંત સુધીમાં ભારત આવે એવી ધારણા છે.