વિવેક તનેજાની વૉશિંગ્ટનમાં એક રેસ્ટોરાંની બહાર બોલાચાલી પછી મારામારી થઈ હતી : અમેરિકામાં ભારતીયોને ટાર્ગેટ કરવાનો સિલસિલો અટકતો નથી
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાથી ખાસ કરીને ભારતીયો સંબંધી આવી રહેલા દુખદ સમાચારોમાં ગઈ કાલે વધુ એકનો ઉમેરો થયો છે, જ્યારે વૉશિંગ્ટનમાં વિવેક તનેજાનું મૃત્યુ થયું હતું. બીજી ફેબ્રુઆરીની વહેલી સવારે બે વાગ્યાની આસપાસ એક રેસ્ટોરાંની પાસે તેમના પર હુમલો થયો હતો, જે જીવલેણ બન્યો હતો.
૪૧ વર્ષના ભારતીય મૂળના આઇટી એક્ઝિક્યુટિવ વિવેક તનેજાની અજાણી વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હતી અને એ પછી તેમના પર હુમલો કરાયો હતો. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર બીજી ફેબ્રુઆરીએ સવારે બે વાગ્યાની આસપાસ શોટો રેસ્ટોરાંની બહાર ૧૫મી સ્ટ્રીટ નૉર્થવેસ્ટના ૧૧૦૦ બ્લૉક પાસે આ બનાવ બન્યો હતો. અધિકારીઓને ફુટપાથ પર વિવેક તનેજા ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો અને તેને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
વિવેક તનેજા અને એક અજાણ્યા માણસ વચ્ચે શરૂ થયેલી બોલાચાલી બાદમાં ગંભીર મારામારીમાં બદલાઈ હતી. આ દરમ્યાન વિવેક તનેજા જમીન પર પટકાયો અને તેનું માથું ફુટપાથ સાથે અથડાયું હતું. બુધવારે હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન ગંભીર ઈજાના કારણે તેનું મૃત્યુ થયું હતું. પોલીસે હવે વિવેક તનેજાના મૃત્યુ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિવેક તનેજા ડાયનેમો ટેક્નૉલૉજીના સહસ્થાપક અને પ્રમુખ હતા. કંપનીની વેબસાઇટ અનુસાર વિવેક તનેજા ડાયનેમોની વ્યૂહાત્મક, વૃદ્ધિ અને ભાગીદારી પહેલનું નેતૃત્વ કરે છે.
પોલીસે આ મારામારીમાં સંડોવાયેલા વ્યક્તિની શોધ શરૂ કરી છે. આ વ્યક્તિ સર્વેલન્સ કૅમેરામાં કેદ થઈ હતી.
આ સપ્તાહની શરૂઆતમાં શિકાગો ખાતે ભારતીય વિદ્યાર્થી સૈયદ મઝહીર અલી પર લૂંટારુઓએ હુમલો કર્યો હતો. અગાઉ ૨૫ વર્ષના ભારતીય વિદ્યાર્થી વિવેક સૈની પર જ્યૉર્જિયા રાજ્યના લિથોનિયા શહેરમાં એક બેઘર ડ્રગ ઍડિક્ટ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ વર્ષે અમેરિકામાં ભારતીય મૂળના અન્ય ચાર વિદ્યાર્થીઓનાં મોત થયાં હોવાના અહેવાલ છે.