રશિયામાં મગદાનમાં ફસાયેલા પૅસેન્જર્સ માટે ગઈ કાલે ફેરી ફ્લાઇટ મોકલવામાં આવી હતી. કેન્દ્રીય એવિયેશન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈ કાલે આ જાણકારી આપી હતી.
રશિયાના મગદાનમાં સોકોલ ઍરપોર્ટ પર ઍર ઇન્ડિયાની ફ્લાઇટ લૅન્ડ થયા બાદ એની નજીકની એક સ્કૂલમાં રોકાયેલા આ ફ્લાઇટના પૅસેન્જર્સ. પી.ટી.આઇ.
નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ રશિયામાં મગદાનમાં ફસાયેલા પૅસેન્જર્સ માટે ગઈ કાલે ફેરી ફ્લાઇટ મોકલવામાં આવી હતી. કેન્દ્રીય એવિયેશન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈ કાલે આ જાણકારી આપી હતી. નોંધપાત્ર છે કે દિલ્હીથી સૅન ફ્રાન્સિસ્કો માટેની ઍરઇન્ડિયાની ફ્લાઇટ AI173 ૨૧૬ પૅસેન્જર્સ અને ૧૬ ક્રૂ મેમ્બર્સને લઈને મંગળવારે જઈ રહી હતી ત્યારે એન્જિનમાં ખામી આવવાને કારણે એને મંગળવારે રશિયાના મગદાનમાં ડાઇવર્ટ કરવામાં આવી હતી.
સિધિંયાએ રિપોર્ટર્સને જણાવ્યું હતું કે ‘બોઇન્ગ 777-200એ બપોરે એક વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાનનો સમય સાડાછ કલાકનો હતો. એ તમામ પૅસેન્જર્સને સુરિક્ષત રીતે સૅન ફ્રાન્સિસ્કો લઈ જશે.’ ફેરી ફ્લાઇટમાં પૅસેન્જર્સ માટે ભોજન અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ લઈ જવામાં આવી હતી.
દરમ્યાન અમેરિકાએ કહ્યું હતું કે એ આ સિચુએશનને મૉનિટર કરી રહ્યું છે. અમેરિકાના વિદેશ વિભાગના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે ‘અમેરિકા આવતી ફ્લાઇટનું રશિયામાં ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હોવાની ઘટનાથી અમે વાકેફ છીએ. અમે સતત સ્થિતિને મૉનિટર કરીએ છીએ.’