બાંગ્લાદેશમાં હિંદૂ પૂજારી અને ઇસ્કૉનના પૂર્વ પ્રમુખ ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારીની ધરપકડ પર હોબાળો મચ્યો છે. ભારતે પણ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે જેના પર બાંગ્લાદેશે જવાબ આપ્યો છે.
ફાઈલ તસવીર
બાંગ્લાદેશમાં હિંદૂ પૂજારી અને ઇસ્કૉનના પૂર્વ પ્રમુખ ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારીની ધરપકડ પર હોબાળો મચ્યો છે. ભારતે પણ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે જેના પર બાંગ્લાદેશે જવાબ આપ્યો છે. આ દરમિયાન બાંગ્લાદેશની મોહમ્મદ યૂનુસની ઇન્ટરિમ સરકારમાં યુવાન અને રમત મંત્રાલયના સલાહકાર આસિફ મહમૂદ શોજિબ ભુઇયાએ કહ્યું કે ચિન્મય દાસની હિંદૂ સમુદાયના નેતા તરીકે નહીં પણ દેશદ્રોહના આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે.
મંગળવારે એક કાર્યક્રમમાં બોલતા આસિફ મહમૂદે કહ્યું હતું કે, `બાંગ્લાદેશની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાને જોખમમાં મૂકતા દેશદ્રોહના કોઈપણ કૃત્ય સામે સરકાર કડક કાર્યવાહી કરશે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આવી પ્રવૃતિઓમાં સંડોવાયેલી કોઈપણ વ્યક્તિ, પછી ભલે તે નેતા કોઈ પણ હોય, બક્ષવામાં આવશે નહીં.
ADVERTISEMENT
શેખ હસીનાની સરકાર પડી ત્યારથી, બાંગ્લાદેશમાં હિંદુઓ સહિત લઘુમતીઓ પર અત્યાચારના અહેવાલો છે. હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ચિન્મય કૃષ્ણ દાસ હિંદુઓ પર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવવા અને તેમને એક કરવાનું કામ કરી રહ્યા છે. દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ પર આસિફ મહમૂદે કહ્યું કે કાયદો સામુદાયિક હિતોના આધારે નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાના આધારે તેનું કામ કરે છે.
ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર ભારતની આકરી પ્રતિક્રિયા
ચિન્મય કૃષ્ણ દાસની સોમવારે ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ બાંગ્લાદેશી હિંદુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા હતા.
દાસની ધરપકડ પર ભારતે મંગળવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, `દુર્ભાગ્યપૂર્ણ છે કે હિંદુ અલ્પસંખ્યકોને નિશાન બનાવનારા ગુનેગારોની જગ્યાએ શાંતિપૂર્ણ સભાઓ દ્વારા કાયદેસરની માગણીઓ ઉઠાવનારા હિંદુ પૂજારી વિરુદ્ધ દેશદ્રોહનો આરોપ દાખલ કરવામાં આવ્યો છે. ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના વિરોધમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા હિન્દુ લઘુમતીઓ પરના હુમલાઓ અંગે પણ અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ. અમે બાંગ્લાદેશના સત્તાવાળાઓને હિંદુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરીએ છીએ.
`ભારતનું નિવેદન મિત્રતાની ભાવનાની વિરુદ્ધ છે...`
ભારતના આ નિવેદન બાદ બાંગ્લાદેશે પણ એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે ચિન્મય દાસની ધરપકડનો કેટલાક વર્તુળોમાં ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતનું નિવેદન પાયાવિહોણું અને મિત્રતાની ભાવનાની વિરુદ્ધ છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, `અમે અત્યંત નિરાશા અને ઊંડા દુઃખ સાથે કહીએ છીએ કે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને કેટલાક ક્વાર્ટર્સમાં ગેરસમજ કરવામાં આવી છે. ચિન્મય કૃષ્ણ દાસની અલગ અલગ આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશ સરકાર માને છે કે આવા પાયાવિહોણા નિવેદનો માત્ર તથ્યોને ખોટી રીતે રજૂ કરે છે એટલું જ નહીં પરંતુ તે બંને પાડોશી દેશો વચ્ચેની મિત્રતા અને પરસ્પર સમજણની ભાવનાની પણ વિરુદ્ધ છે.
મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે, `ભારતનું નિવેદન બાંગ્લાદેશમાં તમામ ધર્મોના લોકો વચ્ચે અસ્તિત્વમાં રહેલી સંવાદિતા અને પ્રતિબદ્ધતા અને આ સંબંધમાં સરકાર અને લોકોના પ્રયાસોને પ્રતિબિંબિત કરતું નથી.`