કૉન્ગ્રેસના નેતાએ રિસન્ટલી તેમની અમેરિકાની યાત્રા દરમ્યાન ભારતની લોકશાહી વિશે સવાલો ઉઠાવ્યા હતા
ફાઇલ તસવીર
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમની અમેરિકાની મુલાકાત દરમ્યાન ભારતની ડેમોક્રસી વિશે સવાલો ઉઠાવ્યા હતા. જોકે વાઇટ હાઉસે સોમવારે ભારતમાં લોકશાહી વિશેની ચિંતાઓને ફગાવી દીધી હોય એમ જણાય છે. વાઇટ હાઉસે જણાવ્યું હતું કે ભારત ધબકતી લોકશાહી છે અને જે કોઈ પણ નવી દિલ્હી જાય છે તે પોતે એ જોઈ શકે છે. નોંધપાત્ર છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મહિનાના અંતમાં અમેરિકાની મુલાકાત પહેલાં આ સ્ટેટમેન્ટ આવ્યું છે.વાઇટ હાઉસમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ ખાતે સ્ટ્રૅટેજિક કમ્યુનિકેશન માટેના કો-ઑર્ડિનેટર જૉન કિર્બીએ વૉશિંગ્ટનમાં રિપોર્ટર્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ભારત એક ધબકતું લોકતંત્ર છે. જે કોઈ પણ નવી દિલ્હી જાય છે તે પોતે એ જોઈ શકે છે અને ચોક્કસ જ હું અપેક્ષા રાખીશ કે લોકતાંત્રિક સંસ્થાનોની તાકાત અને એમની સ્થિતિ ચર્ચાનો વિષય રહેશે.’
કિર્બીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘જુઓ, અમે ક્યારેય સંકોચ કરતા નથી. તમે મિત્રોની સાથે એમ કરી શકો છો.’ પીએમ મોદીની અમેરિકાની વિઝિટ વિશે તેમણે કહ્યું હતું કે ‘આ મુલાકાતથી બન્ને દેશો વચ્ચેના સહકાર મામલે અત્યારની જે સ્થિતિ છે એમાં ખરેખર આગળ વધવાનું છે. પાર્ટનરશિપ મજબૂત થશે એવી અમને આશા છે.’