ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુને મળ્યા બાદ ડોનલ્ડ ટ્રમ્પનો દાવો
ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે તેમના ફ્લૉરિડાના નિવાસસ્થાને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ અને તેમનાં પત્ની સારાને આવકાર્યાં
અમેરિકામાં નવેમ્બર મહિનામાં યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણીમાં ઊભા રહેલા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે તેમના ફ્લૉરિડાના નિવાસસ્થાને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ અને તેમનાં પત્ની સારાને આવકાર્યાં હતાં. આ નેતાઓની વાતચીત દરમ્યાન ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો હું ચૂંટણીમાં પરાજિત થાઉં તો હાલમાં દુનિયામાં જે યુદ્ધની પરિસ્થિતિ જેવું વાતાવરણ છે એ ત્રીજા વિશ્વ યુદ્ધમાં પરિણમી શકે એમ છે.
નેતન્યાહુ સાથેની વાતચીત દરમ્યાન ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટી વતી પ્રેસિડન્ટની ચૂંટણીમાં ઝુકાવવાની ઇચ્છા ધરાવતાં કમલા હૅરિસ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ‘મિડલ ઈસ્ટની બાબતો વિશે તેઓ સૌથી ખરાબ છે. હાલમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે એનો ઝડપી ઉકેલ લાવવામાં નહીં આવે તો એ એક સંપૂર્ણ યુદ્ધમાં પરિણમી શકે છે. જો હું નવેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણી જીતી જાઉં તો યુદ્ધ રોકવું શક્ય છે.’
ADVERTISEMENT
ટ્રમ્પે દાવો કર્યો હતો કે ‘અમે એ જોઈશું કે પરિસ્થિતિ કેવી રીતે આગળ વધે છે. અમે ચૂંટણીમાં જીતી જઈએ તો યુદ્ધ રોકવું શક્ય છે. એ એકદમ સિમ્પલ છે, પણ જો અમે ચૂંટણીમાં પરાજિત થઈએ તો મિડલ ઈસ્ટમાં મોટું યુદ્ધ થઈ શકે એમ છે, કદાચ ત્રીજું વિશ્વ યુદ્ધ પણ થઈ શકે છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ ગમે ત્યારે આપણે ત્રીજા વિશ્વ યુદ્ધની નજીક છીએ, પણ અત્યારે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો સૌથી વધારે છે, કારણ કે હાલ અસમર્થ લોકો દેશ ચલાવી રહ્યા છે.’ ટ્રમ્પને મળતાં પહેલાં આ અઠવાડિયાની શરૂઆતમાં નેતન્યાહુ કમલા હૅરિસને પણ વૉશિંગ્ટનમાં મળ્યા હતા.