અમેરિકા ચાઇનીઝ ટ્રાવેલર્સ પર ટેસ્ટ માટેનાં નિયંત્રણો મૂકનારો પાંચમો દેશ બન્યો
પ્રતીકાત્મક તસવીર
ચીનથી ઇટલી આવેલી એક ફ્લાઇટના અડધાથી વધારે પૅસેન્જર્સ કોવિડ પૉઝિટિવ નીકળ્યા છે. કોરોનાના કેસનો વિસ્ફોટ અને ખૂબ જ મોટી સંખ્યામાં એના લીધે મૃત્યુ છતાં ચીને એની સરહદો ખોલી નાખી છે. ઇટલીમાં ચાઇનીઝ ટ્રાવેલર્સ માટે ફરજિયાત ટેસ્ટિંગનો નવો નિયમ લાગુ કર્યા બાદ સૌપ્રથમ મિલાનમાં આવેલી બે ફ્લાઇટ્સના પૅસેન્જર્સની કોવિડ ટેસ્ટ કરાવવામાં આવી હતી.
લોમ્બાર્ડીના રિજનલ કાઉન્સિલર ફૉર વેલ્ફેર ગુઇડો બર્ટોલસોએ મીડિયાને જણાવ્યું હતું કે આ બે ફ્લાઇટ્સમાંથી પહેલી ફ્લાઇટમાં ૯૨માંથી ૩૫ પૅસેન્જર પૉઝિટિવ આવ્યા છે, જ્યારે બીજી ફ્લાઇટમાં ૧૨૦માંથી ૬૨ પૅસેન્જર પૉઝિટિવ આવ્યા છે.
ADVERTISEMENT
નોંધપાત્ર છે કે ચાઇનીઝ ટ્રાવેલર્સ પર નિયંત્રણો લાદનારો અમેરિકા પાંચમો દેશ બન્યો છે. ચીન મોટા પાયે પાસપોર્ટ્સ અને વીઝા ઇશ્યુ કરવાની તૈયારી કરી રહ્યું છે. લગભગ ત્રણ વર્ષથી આ દેશ લગભગ આઇસૉલેટ હતો ત્યારે આ ખૂબ જ મોટું પગલું છે, જેના પગલે ચીનમાંથી લાખો લોકો આવતા મહિને લુનર ન્યુ યર હૉલિડે માટે વિદેશોમાં જશે. ૨૦૨૦ પછીથી પહેલી વખત ચીનમાંથી મોટા ભાગના લોકો વિદેશ જઈ શકશે.
ટ્રાવેલ સર્વિસ કંપનીઓ ટ્રિપ ડોટકૉમ અને કુનરે જણાવ્યું છે કે આ જાહેરાત બાદ તેમની વેબસાઇટ્સ પર વીઝાની માહિતી માટે સર્ચ તેમ જ ઇન્ટરનૅશનલ ટિકિટ બુકિંગ પાંચથી આઠ ગણું વધી ગયું છે. ટોચના ડેસ્ટિનેશન્સમાં જપાન, થાઇલૅન્ડ, સાઉથ કોરિયા, અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયા સામેલ છે, જેના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે કોવિડ કેસ વધવાની શક્યતા રહેલી છે.
જપાન, ભારત અને તાઇવાને પણ ચીનથી આવનારા લોકો માટે વાઇરસ ટેસ્ટ ફરજિયાત કરી છે.
અમેરિકાએ જાહેરાત કરી છે કે ચીનથી આવતા તમામ ટ્રાવેલર્સે નેગેટિવ કોવિડ ટેસ્ટ રિઝલ્ટ બતાવવું પડશે.
ચીનથી અમેરિકામાં આવતા પૅસેન્જર્સે ફ્લાઇટના બે દિવસ પહેલાં જ તેમની ટેસ્ટ કરાવવી પડશે. એટલું જ નહીં, બૉર્ડિંગ પહેલાં તેમની ઍરલાઇનને નેગેટિવ ટેસ્ટનું પ્રૂફ બતાવવું પડશે.
ટેસ્ટ પીસીઆર ટેસ્ટ કે એન્ટિજન સેલ્ફ ટેસ્ટ હોઈ શકે છે. ચીન સિવાય હૉન્ગકૉન્ગ અને મકાઉથી ડાયરેક્ટ ફ્લાઇટમાં અમેરિકામાં આવતા પૅસેન્જર્સ માટે પણ આ નિયમ રહેશે.
ફ્લાઇટના ૧૦થી વધુ દિવસ પહેલાં પૉઝિટિવ આવેલા પૅસેન્જર્સે તેમની રિકવરીનું એટલે કે નેગેટિવ ટેસ્ટ રિઝલ્ટ બતાવવું પડશે.