અમેરિકામાં છટણીની સીઝન વચ્ચે ગ્લોબલ જાયન્ટ કંપનીઓ ઓછા વેતનવાળા H1B વર્કર્સને હાયર કરી રહી છે
પ્રતીકાત્મક તસવીર
ગ્લોબલ ટેક જાયન્ટ્સ હજારોની સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સિલિકૉન વૅલીની ટોચની અનેક કંપનીઓ વિદેશોમાંથી ઓછા વેતને ટેક વર્કર્સને હાયર કરવા ઇચ્છે છે.
અમેરિકન લૅબર ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર ગૂગલ, મેટા, ઍમેઝૉન, માઇક્રોસૉફ્ટ, ઝૂમ અને સેલ્સફોર્સે આ વર્ષે હજારો H1B વર્કર વિઝા માટે અપ્લાય કર્યું છે. વિરોધાભાસ એ છે કે અમેરિકામાં છટણીમાં ભારતીયો સહિત હજારો H1B વિઝા વર્કર્સે નોકરી ગુમાવી છે. આ કંપનીઓનું ફોકસ ઓછા વેતનવાળા H1B વર્કર્સને મેળવવાનું હોય એમ જણાય છે.
ADVERTISEMENT
સુંદર પીછાઈએ જાન્યુઆરીમાં સમગ્ર દુનિયામાંથી ગૂગલના ૧૨,૦૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરવાનો નિર્ણય કર્યો એના માત્ર એક મહિના બાદ આ કંપનીએ સૉફ્ટવેર એન્જિનિયર્સ, ઍનલિટિકલ કન્સલ્ટન્ટ્સ, યુઝર એક્સપિરિયન્સ રિસર્ચર્સ અને અન્ય પૉઝિશન્સ માટે અમેરિકાની બહારથી ભરતી કરવા માટે H1B વિઝા માટે અપ્લાય કર્યું હતું. ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટની માલિકીની વેયમોએ પણ એ જ રીતે એન્જિનિયર્સની ભરતી કરવા માટે H1B માટે અપ્લાય કર્યું છે. મેટાએ થોડા જ મહિનામાં અંદાજે એના ૨૫ ટકા કર્મચારીઓની છટણી કરી છે. ઍમેઝૉનના સીઈઓ ઍન્ડી જૅસીએ માર્ચમાં વધુ ૯૦૦૦ કર્મચારીઓની છટણી કરવા માટે એક પ્લાન તૈયાર કર્યો હતો. માઇક્રોસૉફ્ટે જાન્યુઆરીમાં ૧૦,૦૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરવાની જાહેરાત કરી હતી.