G20 સમિટ દરમ્યાન પીએમ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગને પણ મળ્યા
બાલીમાં ગઈ કાલે G20 સમિટ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના પીએમ રિશી સુનક (તસવીર : એ.એન.આઇ.)
G20 સમિટને કારણે અનેક વૈશ્વિક નેતાઓ ઇન્ડોનેશિયાના બાલીમાં પહોંચ્યા ત્યારે અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અલગ છાપ છોડી રહ્યા છે. તેમણે ગઈ કાલે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન, યુકેના વડા પ્રધાન રિશી સુનક અને ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રોન સહિત અનેક વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે આ સમિટમાં પીએમ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગને પણ મળ્યા હતા.
આ સમિટમાં પોતાના સંબોધનમાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘ક્લાઇમેટ ચેન્જ, કોરોનાની મહામારી, યુક્રેનમાં ઘટનાક્રમ અને એેને સંબંધિત વૈશ્વિક સમસ્યાઓએ દુનિયામાં ભારે પાયમાલી સર્જી છે અને ખેદજનક વાત એ છે કે એનાથી વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે.’
ADVERTISEMENT
ભારત G20નું અધ્યક્ષ બનવા જઈ રહ્યું છે ત્યારે એના વિશે મોદીએ કહ્યું હતું કે ‘તેમને વિશ્વાસ છે કે બુદ્ધ અને ગાંધીની પવિત્ર ધરતી પર જ્યારે આ ગ્રુપના નેતાઓ મળશે ત્યારે દુનિયાને શાંતિનો મજબૂત મેસેજ આપવા માટે આપણે બધા સંમત થઈશું.’
વડા પ્રધાને પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે ‘અન્ન સુરક્ષાની દૃષ્ટિએ ખાતરોની અત્યારની શૉર્ટેજ પણ ખૂબ જ મોટી સમસ્યા છે. આજની ખાતરની શૉર્ટેજ એ આવતી કાલનું અન્નસંકટ છે, જેના માટે દુનિયાની પાસે કોઈ ઉકેલ નહીં હોય. અમે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીએ છીએ.’
તેમણે વધુમાં કહ્યું હતું કે મહામારી દરમ્યાન ભારતે એની ૧.૩ અબજની વસ્તી માટે અન્ન સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. સાથે જ અનેક જરૂરિયાતમંદ દેશોને અનાજ પણ પૂરું પાડ્યું હતું.
રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદવાના મામલે પશ્ચિમી દેશોની નારાજગીના સંબંધમાં તેમણે જણાવ્યું હતું કે ‘આપણે ઊર્જાની સપ્લાય પર કોઈ નિયંત્રણોને પ્રોત્સાહિત ન કરવાં જોઈએ. એનર્જી માર્કેટમાં સ્થિરતા રહે એની કાળજી રાખવી જોઈએ. ભારત શુદ્ધ ઊર્જા અને પર્યાવરણ પ્રત્યે સમર્પિત છે.’
...જ્યારે બાઇડન હાથ મિલાવવા મોદી પાસે આવ્યા
ઇન્ડોનેશિયાના બાલીમાં ગઈ કાલે G20 સમિટ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન (તસવીર : પી.ટી.આઇ.)
વૈશ્વિક મંચ પર એકબીજા સાથે વાતચીત કરતી વખતના નેતાઓના અંદાજનું ખૂબ ઍનૅલિસિસ થાય છે ત્યારે એક ખાસ ઘટનાક્રમ જોવા મળ્યો. G20 સમિટમાં અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન સામે ચાલીને પીએમ નરેન્દ્ર મોદી પાસે ગયા અને હાથ મિલાવ્યા હતા. વિડિયોમાં જોવા મળે છે કે પીએમ મોદીએ તેમની તરફ આવી રહેલા પ્રેસિડન્ટ બાઇડનને જોયા ન હોવાનું જણાય છે. એ પછી તેઓ તરત પાછળ વળે છે અને હાથ મિલાવે છે. પ્રેસિડન્ટ બાઇડન તેમની સીટ તરફ વધી રહ્યા હતા ત્યારે પીએમ મોદીએ તેમને કંઈક કહ્યું જેને લીધે તેઓ હસી પડ્યા હતા. ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ આ વિડિયોમાં જોવા મળ્યા હતા.