સમિટના ઘોષણાપત્રમાં પીએમ મોદીના મેસેજનો પડઘો પડ્યો
G20 summit
G20નું પ્રમુખપદ વડા પ્રધાન મોદીને આપતા ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડો.
બાલી (પી.ટી.આઇ.) : ઇન્ડોનેશિયાએ ગઈ કાલે બાલીમાં આયોજિત સમિટમાં આગામી વર્ષ માટે G20નું અધ્યક્ષપદ ભારતને સોંપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એને દરેક ભારતીય નાગરિક માટે ગર્વની બાબત ગણાવી હતી.
એક ટૂંકા કાર્યક્રમમાં ઇન્ડોનેશિયાના પ્રેસિડન્ટ જોકો વિડોડોએ બે દિવસની G20 સમિટના સમાપનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને G20નું અધ્યક્ષપદ સોંપ્યું હતું. સભ્ય દેશોએ સંયુક્ત ઘોષણાપત્રને આખરી ઓપ આપ્યો અને એની સાથે જ અધ્યક્ષપદ સોંપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ADVERTISEMENT
આ સમિટમાં એકત્ર નેતાઓએ યુક્રેન યુદ્ધને તાત્કાલિક બંધ કરવા માટે આહ્વાન કર્યું હતું. ઘોષણાપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ‘પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી કે ઉપયોગ અસ્વીકાર્ય છે. સંઘર્ષોનો શાંતિપૂર્ણ ઉકેલ અને સાથે રાજદ્વારી પ્રયાસો અને સંવાદ મહત્ત્વના છે. આજનો યુગ યુદ્ધનો ન હોવો જોઈએ.’
આઠ મહિનાથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધના સંબંધમાં ઘોષણાપત્રમાં આ વાત જણાવવામાં આવી છે.
આ ઘોષણાપત્રમાં પીએમ મોદીના મેસેજનો પડઘો પડ્યો છે, કેમ કે સપ્ટેમ્બરમાં શાંઘાઈ કો-ઑપરેશન સમિટ દરમ્યાન રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથેની મીટિંગમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘આ યુગ યુદ્ધનો નથી.
નોંધપાત્ર છે કે ઘોષણાપત્ર તૈયાર કરતી વખતે સભ્ય દેશોમાં રશિયા-યુક્રેન યુદ્ધ વિશે કેવો અભિપ્રાય આપવો એના વિશે મતભેદો હતા.
મોદીએ ભારતની અધ્યક્ષતામાં તમામ સભ્ય દેશોને સામેલ કરવાનું અને વિકાસશીલ દેશોનો અવાજ બનવાનું વચન આપ્યું છે. G20ની આગામી સમિટ ૯-૧૦ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાશે.
G20ના પ્રતિનિધિઓ લેશે ઔરંગાબાદની મુલાકાત
G20ના પ્રતિનિધિઓ આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના ઔરંગાબાદ જિલ્લાની બે દિવસીય મુલાકાતમાં અજન્તા અને ઇલોરાની ગુફાઓ તેમ જ અન્ય મહત્ત્વનાં સ્થળોની મુલાકાત લેશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ગ્રુપના અન્ય ૧૯ દેશોમાં આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કૅનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટલી, જપાન, સાઉથ કોરિયા, મેક્સિકો, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, ટર્કી, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.
વિભાગીય કમિશનરની ઑફિસમાંથી મળેલી અખબારી યાદી મુજબ લગભગ ૫૦૦ જેટલા પ્રતિનિધિઓ આવતા વર્ષની ૧૩-૧૪ ફેબ્રુઆરીએ ઔરંગાબાદમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ અજન્તા, ઇલોરા તથા દૌલતાબાદ (દેવગિરિ) કિલ્લા સહિત અન્ય મહત્ત્વનાં સ્થળો તેમ જ ઔદ્યોગિક સ્થળોની મુલાકાત લેશે.