મલેશિયામાં રહેતા નાઈક વર્લ્ડ કપ દરમ્યાન ધાર્મિક ભાષણો આપવાના છે
ફાઇલ તસવીર
એક તરફ ભારતમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાને કારણે ઝાકિર નાઈકના ભાષણ આપવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે તેમ જ તેમની ધરપકડનું વૉરન્ટ ઇશ્યુ કરાયું છે ત્યારે કતાર દ્વારા ઝાકિર નાઈકને ભાષણ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. સંપૂર્ણ ફિફા વર્લ્ડ કપ દરમ્યાન તેઓ ધાર્મિક ભાષણ આપશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતની બહાર રહેલા ઝાકિર નાઈક પર ભારતમાં મની લૉન્ડરિંગ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ મુકાયો છે. જોકે આ બાબતની ફિફા દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે આની સામે દેશમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. ઘણા એમ કહે છે નૂપુર શર્મા પ્રકરણે ભારતના રાજદૂતને બોલાવીને તેની પાસે જવાબ માગનાર કતાર સાથે ઝાકિર નાઈકના પ્રકરણમાં જેવા સાથે તેવા થવાની જરૂર છે.
વર્ષ ૨૦૧૬માં ઝાકિર નાઈકના ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર વિવિધ ધર્મના સમૂહ વચ્ચે દુશ્મની, ઘૃણા તથા નકારાત્મક ભાવના ફેલાવવા તેમ જ પોતાના સમૂહના લોકોને આતંકવાદી પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરવા તેમ જ સહાય કરવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમના સંગઠનને ગેરકાયદે ઘોષિત કરવામાં આવતાં ઝાકિર નાઈકે મલેશિયામાં રહેવાનો નિર્ધાર કર્યો હતો. હાલમાં ઝાકિર નાઈક મલેશિયામાં રહી રહ્યા છે.
ADVERTISEMENT
ફિલ્મનિર્માતા જૈન ખાન તેમ જ અનેક મોટી હસ્તીઓએ સોશ્યલ મીડિયા પર સૌથી લોકપ્રિય ઇસ્લામી વિદ્વાનોમાંના એક ડૉક્ટર ઝાકિર નાઈક ફિફા વિશ્વકપ માટે કતાર પહોંચ્યા હોવાનું જણાવ્યું છે. ઝાકિર નાઈક ફિફા વર્લ્ડ કપ દરમ્યાન લોકોને ઉપદેશ આપશે તથા ઇસ્લામના સંદેશનો પ્રસાર કરશે.
ઝાકિર નાઈકે તેમના એક ભાષણમાં પ્રતિબંધિત સંગઠન મુસ્લિમ બ્રધરહૂડના ઇસ્લામિક ઉપદેશક સલમાન ઔહાદને ટાંકીને આત્મઘાતી હુમલાનું સમર્થન કરતાં ઇસ્લામમાં આ પ્રકારના હુમલાની અનુમતી હોવાનું જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ઝાકિર નાઈકે પાકિસ્તાનમાં એક મંદિર પર બૉમ્બ હુમલાનો બચાવ કરતાં કહ્યું હતું કે ઇસ્લામી દેશોમાં મંદિરના નિર્માણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
માર્ચ ૨૦૨૨માં ગૃહ મંત્રાલયે આઇઆરએફને પાંચ વર્ષ માટે ગેરકાયદે ઘોષિત કર્યું હતું. ગૃહ મંત્રાલયે જણાવ્યાનુસાર ઝાકિર નાઈક આતંકવાદીઓની પ્રશંસા કરી દરેક મુસ્લિમને આતંકવાદી બનવા જણાવતા હતા. જોકે ઝાકિર નાઈકે તેમના પરના તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

