ભૂતપૂર્વ પ્રેસિડન્ટ તેમના ગૉલ્ફ કોર્સમાં ગૉલ્ફ રમી રહ્યા હતા ત્યારે ૫૮ વર્ષના હુમલાખોરે બહારથી ગોળીઓ છોડી, બ્લૅક રંગની કારમાં નાસી છૂટ્યો પણ ઝડપાઈ ગયો, ઘટનાસ્થળેથી AK-47 રાઇફલ, ગોપ્રો કૅમેરા અને બૅગપૅક મળ્યાં
ડોનલ્ડ ટ્રમ્પ અને ડોનલ્ડ ટ્રમ્પ પર ગોળીઓ વરસાવનાર રાયન વેસ્લી રૉથ.
નવેમ્બરની પાંચમી તારીખે થનારી અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણીનાં આશરે ૭-૮ અઠવાડિયાં પહેલાં રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટપદના ઉમેદવાર અને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પર રવિવારે ફરી પાછો હુમલો થયો હતો જેમાં તેઓ બચી ગયા છે. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ ૫૮ વર્ષના હુમલાખોર રાયન વેસ્લી રૉથની ધરપકડ કરી છે.
ગૉલ્ફ રમતા હતા
ADVERTISEMENT
ટ્રમ્પ રવિવારે ફ્લૉરિડાના વેસ્ટ પામ બીચ પર આવેલા તેમના ઘરના પ્રાઇવેટ ગૉલ્ફ કોર્સમાં ગૉલ્ફ રમી રહ્યા હતા ત્યારે ગૉલ્ફ કોર્સની પાસેની ઝાડીઓમાં છુપાયેલા રાયને ૨૦૦-૩૦૦ મીટર દૂરથી AK-47માંથી તેમના ભણી ગોળીઓ વરસાવી હતી. સીક્રેટ સર્વિસ એજન્ટ્સે હુમલાખોર પર ગોળીબાર કર્યો હતો, પણ તે બ્લૅક કારમાં નાસી છૂટ્યો હતો જેને થોડે દૂરથી ઝડપી લેવામાં આવ્યો હતો. ઘટનાસ્થળેથી FBIને AK-47 રાઇફલ, ગોપ્રો કૅમેરા અને બૅકપૅક મળી આવ્યાં છે.
જીવ લેવાનો બીજો પ્રયાસ
ડોનલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનો આ બીજો પ્રયાસ છે. આ પહેલાં આ વર્ષની ૧૩ જુલાઈએ પેન્સિલ્વેનિયાના બટલરમાં એક યુવા હુમલાખોરે તેમના પર નજીકથી ગોળીઓ છોડી હતી જેમાં ગોળી તેમના જમણા કાનને વીંધી ગઈ હતી. એ સમયે હુમલાખોરને સીક્રેટ સર્વિસ એજન્ટ્સે ઠાર કર્યો હતો.
કોણ છે હુમલાખોર?
હુમલાખોર રાયન મૂળ નૉર્થ કૅરોલિનાના ગ્રીન્સબરોનો રહેવાસી છે. તે કન્સ્ટ્રક્શન-વર્કર છે અને અનેક આરોપમાં અગાઉ પકડાઈ ચૂક્યો છે. તેણે મિલિટરીની કોઈ ટ્રેઇનિંગ લીધી નથી. જોકે તેની સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી ખબર પડે છે કે તે યુક્રેનનો સમર્થક છે અને તેની પોસ્ટમાં યુક્રેન માટે રશિયાની સરહદ પર જઈને લડાઈ લડવાની અને એ માટે મરી જવાની પણ વાત કરી છે. તેણે માનવ અધિકાર, સ્વતંત્રતા, લોકશાહી અને ચીનના લોકોને સમર્થનની વાત લખી છે. ૨૦૦૨માં તેણે ગ્રીન્સબરોમાં ઑટોમૅટિક હથિયાર સાથે પોતાને એક બિલ્ડિંગમાં બંધ કરી લીધો હતો અને એ માટે તેની ધરપકડ થઈ હતી, પણ અકળ કારણસર તે છૂટી ગયો હતો.
સલામત ટ્રમ્પે ડૉક્ટરને ફોન કર્યો
ટ્રમ્પ પર ગોળીબાર થયો હતો, પણ એકેય ગોળી તેમને વાગી નહોતી અને તેઓ સલામત છે. આ હુમલાની તેમને જાણ થતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા. તેમને ગૉલ્ફ કોર્સના હોલ્ડિંગ એરિયામાં લઈ જવાયા હતા. એ પછી તેમણે સૌથી પહેલાં તેમના ડૉક્ટર રૉની જૅક્સનને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે મારા પર હુમલો થયો છે, પણ તમારી જરૂર નહીં પડે.
ઇલૉન મસ્કની વિવાદિત પ્રતિક્રિયા
ડોનલ્ડ ટ્રમ્પ પર હુમલો થયા બાદ સોશ્યલ મીડિયામાં અનેક પોસ્ટ કરવામાં આવી રહી છે અને એક યુઝરે સવાલ કર્યો હતો કે શા માટે હુમલાખોરો ડોનલ્ડ ટ્રમ્પને મારવા માગે છે? આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં ટેસ્લાના માલિક અને વિશ્વના ધનકુબેર ઇલૉન મસ્કે કહ્યું હતું કે ડોનલ્ડ ટ્રમ્પ પર વારંવાર હુમલા થાય છે, પણ કમલા હૅરિસ અને જો બાઇડન પર હુમલાનો કોઈ પ્રયાસ કરતું નથી.