કૅનેડામાં પંજાબી સિંગર એ. પી. ઢિલ્લનના ઘરની બહાર ફાયરિંગ, લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે જવાબદારી સ્વીકારીને આપી ધમકી
એ. પી. ઢિલ્લોંના ઘરની બહારથી થઈ રહેલું ફાયરિંગ.
કૅનેડામાં મશહૂર પંજાબી સિંગર એ. પી. ઢિલ્લોંના વૅનકુવર શહેરમાં વિક્ટોરિયા આઇલૅન્ડમાં આવેલા ઘરની બહાર ફાયરિંગની ઘટના બનતાં સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે. ફાયરિંગ કોણે કર્યું એની ઓળખ હજી સુધી થઈ નથી પણ એની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ-રોહિત ગોદરા ગૅન્ગે લીધી છે. આ ગૅન્ગ દ્વારા એક ધમકીભરી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે પહેલી સપ્ટેમ્બરે કૅનેડામાં બે સ્થળે અમે ફાયરિંગ કરાવ્યું છે જેમાં એક વિક્ટોરિયા આઇલૅન્ડ અને બીજું વુડબ્રિજ, ટૉરોન્ટોમાં છે જેની જવાબદારી અમે લઈએ છીએ.
એ. પી. ઢિલ્લોંએ સલમાન ખાનને ફીચર કરતો એક મ્યુઝિક-વિડિયો ‘ઓલ્ડ મની’ રિલીઝ કર્યો એના થોડા સમય બાદ ફાયરિંગની આ ઘટના બની છે. એ. પી. ઢિલ્લોંને સલમાન ખાન સાથે સારા સંબંધો છે અને તેથી આ ગૅન્ગે તેને તેની લિમિટમાં રહેવાની તાકીદ કરી છે નહીંતર કૂતરાના મોતે મારીશું એવી ધમકી આપી છે. સોશ્યલ મીડિયા પર આ મતલબની પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે યે નચાર બડી ફીલિંગ લે રહા હૈ સલમાન ખાન કો ગાને મેં લે કે; તેરે ઘર પર આએ થે, ફિર આતા બાહર ઔર દિખાતા અપના ઍક્શન કરકે; જિસ અંડરવર્લ્ડ લાઇફ કી તુમ કૉપી લેતે હો, હમ અસલ મેં વહ જી રહે હૈં; અપની ઔકાત મેં રહો, નહીં તો કુત્તે કી મૌત મરોગે.