ઍરપોર્ટ નજીકના પાવર સબસ્ટેશનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ : ઍર ઇન્ડિયા સહિતની ૧૩૦૦ ફ્લાઇટનું સંચાલન ખોરવાયું
ગુરુવારે રાત્રે હીથ્રો ઍરપોર્ટના નૉર્થ હાઇડ ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગી હતી, જેને લીધે ઍરપોર્ટ બંધ કરી દેવું પડ્યું હતું.
બ્રિટનના લંડનસ્થિત દુનિયાનું સૌથી વ્યસ્ત અને ભારતીય મુસાફરો માટે મહત્ત્વપૂર્ણ એવું હીથ્રો ઍરપોર્ટ ૨૧ માર્ચે આખો દિવસ બંધ રહ્યું હતું. ઍરપોર્ટ નજીકના પાવર સબસ્ટેશનમાં આગ લાગવાને કારણે એ બંધ કરવાની ફરજ પડી હતી. ૧૨૦ જેટલાં વિમાન જ્યારે હીથ્રો ઍરપોર્ટ તરફ ઉડાન ભરી રહ્યાં હતાં એ સમયે અચાનક ઍરપોર્ટ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી જેનાથી હજારો ફ્લાઇટ્સનું સંચાલન ખોરવાયું હતું. કુલ ૧૩૦૦થી વધુ ફ્લાઇટ્સને એની અસર પડી હતી, જેમાંથી અનેક રદ કરી દેવાઈ, કેટલીક પરત ફરી અથવા એને બીજી જગ્યાએ લૅન્ડ કરાવવી પડી. એને કારણે ત્રણ લાખ જેટલા મુસાફરોને અસર થઈ છે. આ સમસ્યા હજી પણ કેટલાક દિવસો સુધી ચાલે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. શુક્રવાર રાત સુધી ઍરપોર્ટ ફરી શરૂ કરવા વિશે સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
હીથ્રો ઍરપોર્ટ બંધ હોવાને લીધે સાઉથ લંડનના ગૅટવિક ઍ રપોર્ટ પર લૅન્ડ થઈ રહેલું એક પ્લેન.
ADVERTISEMENT
શા માટે અચાનક બંધ થયું ઍરપોર્ટ?
હીથ્રો ઍરપોર્ટ નજીક એક પાવર સબસ્ટેશનમાં વિકરાળ આગ લાગી હતી. આગ એટલી ઝડપી હતી કે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો અને ઍરપોર્ટ પર વીજળી ગુલ થઈ ગઈ. આ આગ ગુરુવારની રાતે લાગી હતી. ત્યાર બાદ ફાયર વિભાગની ગાડીઓ અને કેટલાક ફાયર-ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. અંદાજિત ૧૫૦ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા. સવારે ૮ વાગ્યા સુધીની મહામહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
ઍર ઇન્ડિયાની સેવાઓ પણ ખોરવાઈ
ઍર ઇન્ડિયાએ શુક્રવારે કહ્યું હતું કે લંડનના હીથ્રો ઍરપોર્ટ પર સંચાલન બંધ થઈ જવાને કારણે ત્યાંથી તેમની સેવાઓને અસર પહોંચી છે અને એક ફ્લાઇટ મુંબઈ પાછી આવી જ્યારે બીજીને ફ્રૅન્કફર્ટ મોકલવામાં આવી હતી.

