ઇલૉન મસ્કે સેનેટરોને એવું પણ જણાવ્યું હતું કે તેના પર અવારનવાર પુતિનના સમર્થક હોવાનો આરોપ મૂકવામાં આવે છે, પરંતુ આ આરોપ તદ્દન ખોટા છે,
ઇલોન મસ્ક
વૉશિંગ્ટન : ટેસ્લાના સીઈઓ ઇલૉન મસ્કે યુક્રેનને અમેરિકા તરફથી મદદ ચાલુ રાખવા સામે ચેતવણી જારી કરી હતી કે આનાથી વ્લાદિમીર પુતિન યુદ્ધ હારશે એવી કોઈ શક્યતા નથી. મસ્કે વેન્ચર કૅપિટલિસ્ટ ડેવિડ સૅક્સ દ્વારા આયોજિત સ્પેસ સેશનમાં આ ટિપ્પણી કરી હતી. સેનેટર્સ રોન જૉનસન, માઇક લી, જેડી વેન્સ અને વિવેક રામાસ્વામી યુક્રેન ફન્ડિંગ બિલ પર ચર્ચા માટે ઇલૉન મસ્ક સાથે જોડાયા હતા. યુક્રેન માટે વધારાના ભંડોળ સામે મસ્કે વાંધો દર્શાવતાં કહ્યું કે ‘યુએસ દ્વારા ફન્ડિંગ આપવાથી યુક્રેનને બિલકુલ મદદ નહીં મળે. મસ્કે અગાઉ પણ રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનની જીતવાની ક્ષમતા પર શંકા વ્યક્ત કરી હતી અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી દ્વારા વધુ સહાયની માગ પર કટાક્ષ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે પુતિન પર યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ હતું. જો તે પીછેહઠ કરે તો તેમની હત્યા કરવામાં આવશે.
ઇલૉન મસ્કે સેનેટરોને એવું પણ જણાવ્યું હતું કે તેના પર અવારનવાર પુતિનના સમર્થક હોવાનો આરોપ મૂકવામાં આવે છે, પરંતુ આ આરોપ તદ્દન ખોટા છે, કારણ કે તેમની કંપનીએ રશિયાને નબળું પાડવાના બનતા પ્રયત્નો કર્યા છે. ઇલૉન મસ્કે કહ્યું કે તેમની સ્પેસએક્સ રશિયાની સ્પેસ લૉન્ચ ઇન્ડસ્ટ્રીમાંથી બિઝનેસ પાછું ખેંચી રહી છે અને યુક્રેનને સ્ટારલિન્ક ઇન્ટરનેટ એક્સેસ સપ્લાય કરી રહી છે.